તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
મમતા બેનર્જીને પશ્ચિમ બંગાળમાં મોટો રાજકીય આંચકો: નેતાજીના પ્રપૌત્ર ચંદ્ર કુમાર બોઝે ટીએમસીમાં જોડાવાના માત્ર ૪ મહિનામાં જ આપ્યું તાત્કાલિક રાજીનામું
અંગત કારણો રજૂ કરીને અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસનું પ્રાથમિક સભ્યપદ છોડ્યું: ૨૦૨૬ ની વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ છોડીને TMC માં જોડાયેલા બોઝના નિર્ણયથી બંગાળના રાજકારણમાં ભારે ચર્ચા.

કોલકાતા : પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી આ સમયે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પરિવારના અગ્રણી સભ્ય અને પૂર્વ ભાજપ નેતા ચંદ્ર કુમાર બોઝે અચાનક તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. મમતા બેનર્જીની પાર્ટીમાં જોડાયાના માત્ર ચાર મહિનાના ટૂંકા ગાળામાં જ તેમણે આ નિર્ણય લેતાં મમતા બેનર્જી અને TMC માટે આને એક મોટો રાજકીય આંચકો માનવામાં આવી રહ્યો છે.
સોમવારે મોકલેલા પોતાના સત્તાવાર રાજીનામાના પત્રમાં ચંદ્ર કુમાર બોઝે સ્પષ્ટ કર્યું છે કે, "હું વ્યક્તિગત કારણોસર તાત્કાલિક અસરથી અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી રહ્યો છું." તેમણે પોતાના પત્રમાં કોઈ આંતરિક પક્ષીય વિવાદ કે રાજકીય અસંતોષનો ઉલ્લેખ કરવાને બદલે કેવળ 'અંગત કારણો' ને આગળ ધર્યા છે. આ અંગે TMC તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
ચંદ્ર કુમાર બોઝની રાજકીય સફર અગાઉ પણ ચર્ચામાં રહી છે. તેઓ લાંબા સમય સુધી ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયેલા હતા. જોકે, ૨૦૨૬ ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલાં તેમણે ભાજપ સાથેનો છેડો ફાડીને તેને પોતાની "ભૂલ" ગણાવી હતી અને સકારાત્મક પરિવર્તન લાવવાના દાવો સાથે મમતા બેનર્જીનો હાથ ઝાલ્યો હતો.
પરંતુ TMC માં તેમની આ રાજકીય સફર માત્ર ૧૨૦ દિવસમાં જ આટોપાઈ ગઈ છે. રાજ્યમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે નેતાજીના પરિવારના સભ્યનું આ રીતે અચાનક પક્ષ છોડવું એ ચૂંટણી બાદ બંગાળના રાજકારણમાં સર્જાયેલા નવા સમીકરણો તરફ આંગળી ચિંધે છે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
