<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

મહારાષ્ટ્રમાં તહેવારો ટાણે ગ્રાહકોને મોંઘવારીનો મોટો આંચકો: 11 ઓગસ્ટથી ગાય-ભેંસના દૂધના ભાવમાં લિટર દીઠ રૂ. 2 નો વધારો ઝીંકાયો, દહીં-પનીર સહિતની ડેરી પ્રોડક્ટ્સ પણ 10 ટકા સુધી મોંઘી થશે

​ડીઝલ, પેકેજિંગ અને ખરીદ પડતરમાં થયેલા વધારાને પગલે મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશનનો આકરો નિર્ણય; કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે દૂધ પર એમએસપી લાવવાની હાલ કોઈ યોજના નથી, ભાવ મુક્ત બજાર આધારિત જ રહેશે

​મુંબઈ / પુણે  : શ્રાવણ માસ અને આગામી તહેવારોની મોસમ શરૂ થાય તે પૂર્વે જ મહારાષ્ટ્રના આમ આદમીના ઘરના બજેટ પર મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. મહારાષ્ટ્રની તમામ મુખ્ય સહકારી અને ખાનગી ડેરીઓના સંયુક્ત સંગઠન 'મિલ્ક પ્રોડ્યુસર્સ એન્ડ પ્રોસેસર્સ વેલફેર એસોસિએશન' દ્વારા રાજ્યમાં દૂધના ભાવમાં લિટર દીઠ રૂ. 2 નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવો ભાવવધારો મંગળવાર, 11 ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં અમલી બની જશે. દૂધ ઉપરાંત દહીં, છાશ, ઘી અને પનીર જેવી મૂલ્યવર્ધિત ડેરી પ્રોડક્ટ્સના ભાવમાં પણ 10 ટકા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે.

​ગોપાલરાવ મસ્કેની અધ્યક્ષતામાં લેવાયો નિર્ણય

એસોસિએશનના પ્રમુખ ગોપાલરાવ મસ્કેની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ડેરી સંચાલકોએ સર્વાનુમતે દૂધ અને ડેરી ઉત્પાદનોના ભાવ વધારવાનો આકરો નિર્ણય લીધો હતો. બેઠક બાદ એસોસિએશને સ્પષ્ટતા કરી હતી કે, છેલ્લા કેટલાક સમયથી ડીઝલના ભાવમાં લિટર દીઠ રૂ. 10 નો તીવ્ર વધારો થયો છે, જેના કારણે દૂધના પરિવહનનો ખર્ચ અસહ્ય બની ગયો છે. આ ઉપરાંત પેકેજિંગ મટીરિયલ અને પ્લાસ્ટિક થેલીઓના ખર્ચમાં 30 ટકા જેટલો મોટો ઉછાળો આવ્યો છે. પશુપાલકો પાસેથી દૂધ ખરીદવાના ભાવમાં પણ વધારો કરવો પડ્યો હોવાથી ડેરી ઉદ્યોગ માટે જૂના ભાવે દૂધનું વેચાણ ચાલુ રાખવું શક્ય રહ્યું ન હતું.

​ગાય અને ભેંસના દૂધના નવા ભાવ

નવા ભાવવધારા બાદ હવે મહારાષ્ટ્રમાં ગાયનું દૂધ જે અગાઉ રૂ. 60 પ્રતિ લિટર મળતું હતું તે વધીને રૂ. 62 પ્રતિ લિટર થશે. જ્યારે ભેંસનું દૂધ રૂ. 76 પ્રતિ લિટરથી વધીને રૂ. 78 પ્રતિ લિટરના સ્તરે પહોંચી જશે. દૂધના ભાવ વધવાની સાથે જ દૈનિક ધોરણે ઘરમાં વપરાતી છાશ, દહીં, માખણ અને પનીર જેવી વાનગીઓ માટે પણ ગ્રાહકોએ વધુ ખિસ્સા ખાલી કરવા પડશે.

​દૂધ પર MSP આપવાની કોઈ દરખાસ્ત નથી: કેન્દ્ર સરકાર

દૂધના સતત વધતા ભાવ વચ્ચે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ (લલન સિંહે) લોકસભામાં એક તારાંકિત પ્રશ્નના લેખિત જવાબમાં સ્પષ્ટતા કરી હતી કે દૂધ માટે ટેકાના ભાવ (MSP) નક્કી કરવાની સરકારની હાલ કોઈ વિચારણા નથી. દૂધના ભાવ સંપૂર્ણપણે સહકારી મંડળીઓ અને ખાનગી ડેરીઓ દ્વારા બજારની સ્થિતિ, માગ અને પુરવઠાના આધારે જ નક્કી કરવામાં આવે છે. મંત્રીએ ઉમેર્યું હતું કે સરકાર પશુપાલકોના હિતનું રક્ષણ કરવા, ભાવમાં સ્થિરતા લાવવા અને ગુણવત્તા ચકાસણી મજબૂત કરવા વિવિધ યોજનાઓ ચલાવી રહી છે.

​દેશમાં દૂધ ઉત્પાદનમાં 69 ટકાનો માતબર વધારો

કેન્દ્રીય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં વર્ષ 2014-15 માં દૂધનું ઉત્પાદન 146 મિલિયન મેટ્રિક ટન (MMT) હતું, જે વધીને વર્ષ 2024-25 માં 248 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચી ગયું છે, જે દર્શાવે છે કે ઉત્પાદનમાં 69 ટકાનો જંગી વધારો થયો છે. સંગઠિત ક્ષેત્રને મજબૂત કરવા માર્ચ 2026 સુધીમાં ગ્રામીણ સ્તરે 36,283 નવી દૂધ સહકારી મંડળીઓ રચવામાં આવી છે અને 31,150 મંડળીઓનું સક્ષમીકરણ કરાયું છે. આ ઉપરાંત દૈનિક 168 લાખ લિટરની ચિલિંગ ક્ષમતા ઊભી કરાઈ છે અને 76,748 ક્વાલિટી ટેસ્ટિંગ ડિવાઈસનું વિતરણ કરવામાં આવ્યું છે.

​ભે ભેળસેળિયા દૂધ સામે FDA નો સપાટો

એક તરફ દૂધના ભાવ વધી રહ્યા છે ત્યારે બીજી તરફ મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના કમિશનર તુકારામ મુંઢેના માર્ગદર્શન હેઠળ સિન્થેટિક અને નકલી દૂધ સામે રાજ્યવ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. એફડીએ દ્વારા 1,131 થી વધુ સ્થળોએ દરોડા પાડીને આશરે રૂ. 49.57 કરોડનો શંકાસ્પદ ખાદ્યસામગ્રીનો જથ્થો જપ્ત કરાયો છે, જેમાં 1.6 લાખ લિટર ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું છે. સ્કીમ્ડ મિલ્ક પાવડર, કેમિકલ્સ, કોસ્ટિક સોડા, ઈમલ્સિફાયર અને શેમ્પૂ જેવા ખતરનાક રસાયણો ભેળવીને ગાયનું બનાવટી દૂધ માત્ર રૂ. 15 માં અને ભેંસનું કૃત્રિમ દૂધ રૂ. 30 માં તૈયાર કરીને બજારમાં વેચવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.

​આંધ્રપ્રદેશમાં પણ ભાવવધારો અને વિરોધ પ્રદર્શન

મહારાષ્ટ્ર પહેલા આંધ્રપ્રદેશમાં પણ કૃષ્ણા ડિસ્ટ્રિક્ટ મિલ્ક પ્રોડ્યુસર્સ કોઓપરેટિવ યુનિયન (વિજયા ડેરી) દ્વારા દૂધના ભાવમાં લિટર દીઠ રૂ. 2 નો વધારો કરવામાં આવ્યો હતો, જેનાથી ફુલ-ક્રીમ દૂધનો ભાવ રૂ. 78 થી વધીને રૂ. 80 થયો છે. છેલ્લા ચાર મહિનામાં જ ડેરી કંપનીઓએ બીજી વખત ભાવવધારો કરતા ગ્રાહકો અને વિરોધ પક્ષોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિજયવાડા ખાતે સીપીએમ અને મહિલા સંગઠનો દ્વારા દૂધના ભાવવધારા સામે રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શનો પણ કરવામાં આવ્યા હતા.

(1:17 PM IST)