તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
રાજશ્રી પાન મસાલાના વિવાદિત જાહેરાત કેસમાં અભિનેતા સલમાન ખાનને મોટી રાહત: એનસીડીઆરસીએ જયપુર જિલ્લા આયોગની કામગીરી પર ઉઠાવ્યા ગંભીર સવાલો
‘શેડો માર્કેટિંગ’ અને ‘ભ્રામક જાહેરાત’ વચ્ચેનો તફાવત સમજવામાં પણ જિલ્લા આયોગ નિષ્ફળ રહ્યું હોવાનું રાષ્ટ્રીય આયોગે નોંધ્યું; અભિનેતા વિરુદ્ધ જારી કરાયેલા જામીનપાત્ર વોરંટની પ્રક્રિયા સામે નારાજગી

નવી દિલ્હી: રાજશ્રી પાન મસાલાની કથિત ભ્રામક જાહેરાતના મામલામાં બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનને રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગ (NCDRC) તરફથી મોટી રાહત મળી છે. આ સમગ્ર મામલે જયપુર જિલ્લા ગ્રાહક આયોગ દ્વારા અભિનેતા વિરુદ્ધ જારી કરવામાં આવેલા જામીનપાત્ર વોરંટ અને અન્ય કાયદાકીય આદેશો પર એનસીડીઆરસીએ લાલ આંખ કરી છે. આયોગે જિલ્લા આયોગની કામગીરીની ઝાટકણી કાઢતા કહ્યું કે, તેમણે ‘શેડો માર્કેટિંગ’ અને ‘ભ્રામક જાહેરાત’ વચ્ચેનો પાયાનો તફાવત સમજવાનો પણ પ્રયાસ કર્યો નથી.
આ મામલાની સુનાવણી દરમિયાન એનસીડીઆરસીના જસ્ટિસ એ.પી. સાહી અને સભ્ય ભરતકુમાર પંડ્યાની પીઠે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જિલ્લા આયોગે જે પ્રકારે આદેશો પસાર કર્યા, તે એવું દર્શાવે છે કે જાણે સલમાન ખાન અને સંબંધિત કંપનીએ અગાઉથી જ કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય. ખાસ નોંધપાત્ર વાત એ છે કે, આ કેસમાં ન તો કોઈ નક્કર પુરાવા રેકોર્ડ પર લેવાયા હતા કે ન તો પૂરતી સુનાવણી થઈ હતી. ૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ એકપક્ષીય રીતે પસાર કરવામાં આવેલો આદેશ ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ હોવાનું પણ આયોગે અવલોકન કર્યું હતું.
આ સમગ્ર વિવાદ 'સિલ્વર કોટેડ ઈલાયચી'ની જાહેરાત સાથે જોડાયેલો છે, જેમાં સલમાન ખાન બ્રાન્ડ એમ્બેસેડર છે. ફરિયાદ પક્ષનો આક્ષેપ હતો કે આ જાહેરાતનો ઉપયોગ રાજશ્રી પાન મસાલાના પ્રચાર માટે કરવામાં આવે છે. જોકે, એનસીડીઆરસીએ નોંધ્યું હતું કે, જાહેરાતમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ઉત્પાદનમાં તંબાકુ કે નિકોટીનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. જિલ્લા આયોગે આ મહત્વના પાસાની તપાસ કે મૂલ્યાંકન કર્યા વગર જ સીધા વોરંટ કાઢી નાખ્યા હતા.
એનસીડીઆરસીએ પોતાની ટિપ્પણીમાં સ્પષ્ટ કર્યું છે કે, જિલ્લા આયોગે પ્રાકૃતિક ન્યાયના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. હાલમાં આ સમગ્ર મામલે રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા કાર્યવાહી પર રોક લગાવી દેવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રીય આયોગે સલમાન ખાનની અપીલનો નિકાલ કરતા સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, હવે જિલ્લા આયોગે આ મામલે હાઈકોર્ટના અંતિમ આદેશની રાહ જોવી જોઈએ અને તે મુજબ જ આગળ વધવું જોઈએ. આ આદેશ બાદ અભિનેતાને હાલ પૂરતી મોટી રાહત મળી છે.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
