<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

ભારતીય-અમેરિકન વિદ્વાન એશ્લે ટેલિસને મોટી રાહત: અમેરિકી કોર્ટે જાસૂસી એક્ટ હેઠળનો કેસ ફગાવ્યો, પ્રોસિક્યુશનની કાનૂની ભૂલને કારણે ચુકાદો ટેલિસની તરફેણમાં

ગુપ્ત દસ્તાવેજો ઘરે રાખવાના આરોપમાં ટેલિસ સામે ખોટી કલમ હેઠળ કાર્યવાહી કરાઈ હોવાનું કોર્ટે સ્વીકાર્યું: ઈન્ડો-પેસિફિક પોલિસીના દિગ્ગજ સલાહકાર પરથી સંકટ ટળ્યું

એલેક્ઝાન્ડ્રિયા (વર્જિનિયા): તા.૦૮ અમેરિકાના વિદેશ મંત્રાલય અને સંરક્ષણ વિભાગમાં ઉચ્ચ પદો પર રહી ચૂકેલા જાણીતા ભારતીય-અમેરિકન વ્યુહાત્મક બાબતોના નિષ્ણાત એશ્લે જે. ટેલિસ સામેનો જાસૂસી એક્ટ (Espionage Act) હેઠળનો કેસ વર્જિનિયાની ફેડરલ કોર્ટે ફગાવી દીધો છે. ફેડરલ જજ માઈકલ એસ. નાચમાનોફે બચાવ પક્ષની દલીલ સ્વીકારી હતી કે સરકારી વકીલોએ ટેલિસ સામે ખોટી કાનૂની જોગવાઈ હેઠળ આરોપો મૂક્યા હતા, જેના કારણે આ કેસ કાયદેસર રીતે ટકી શકે તેમ નથી.
એશ્લે ટેલિસ પર આરોપ હતો કે તેમણે સરકારી સેવા દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષાને લગતા ૧૧ જેટલા અત્યંત ગુપ્ત દસ્તાવેજો પોતાના નિવાસસ્થાને ગેરકાયદેસર રીતે રાખ્યા હતા. સરકારી વકીલોએ દાવો કર્યો હતો કે ટેલિસ પાસે ચીનની પરમાણુ અને સૈન્ય ક્ષમતાઓને લગતી સંવેદનશીલ માહિતી ધરાવતા હજારો પાનાના દસ્તાવેજો હતા. જોકે, ટેલિસના વકીલોએ કોર્ટમાં જોરદાર દલીલ કરી હતી કે સરકારે તેમને એસ્પિનેજ એક્ટની કલમ ૭૯૩(ઈ) હેઠળ આરોપી બનાવ્યા છે, જે માત્ર એવા લોકો પર લાગુ થાય છે જેમની પાસે દસ્તાવેજો રાખવાની 'અનધિકૃત' સત્તા હોય. જ્યારે ટેલિસ પાસે તો હાઈ-લેવલ સિક્યુરિટી ક્લિયરન્સ હતું અને સરકારે પોતે જ તેમને આ દસ્તાવેજો સોંપ્યા હતા.
બચાવ પક્ષે દલીલ કરી હતી કે ટેલિસ પર ગુપ્ત માહિતી ફેલાવવાનો કે અનધિકૃત ફાઇલો એક્સેસ કરવાનો કોઈ આરોપ નથી. સરકારે જાણીજોઈને ખોટી કલમ હેઠળ ઇન્ડિક્ટમેન્ટ (આરોપનામું) તૈયાર કર્યું હતું. જજે આ દલીલ સાથે સંમત થઈને કેસને 'ડિસમિસ્ડ વિધાઉટ પ્રેજુડિસ' જાહેર કર્યો છે, જેનો અર્થ છે કે તકનીકી ખામીને કારણે હાલમાં આ કેસ બંધ કરવામાં આવે છે.
આ ચુકાદા બાદ એશ્લે ટેલિસે પોતાની જપ્ત કરાયેલી મિલકત અને બોન્ડની રકમ પરત મેળવવા માટે પણ અરજી કરી છે. વોશિંગ્ટનના રાજદ્વારી અને રાષ્ટ્રીય સુરક્ષા વર્તુળોમાં આ કેસ ભારે ચર્ચામાં રહ્યો હતો, કારણ કે ટેલિસ દાયકાઓથી અમેરિકી સરકારને ભારત અને પેસિફિક ક્ષેત્રની નીતિઓ પર સલાહ આપતા આવ્યા છે. આ આદેશ સાથે હાલ પૂરતો એક પ્રતિષ્ઠિત ભારતીય-અમેરિકન વિદ્વાન પરથી કાનૂની ગાળિયો દૂર થયો છે.

(3:54 PM IST)