<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

મોબાઇલ યુઝર્સ માટે મોટી રાહત: હવે ૨૮ને બદલે ૩૦ દિવસનું રિચાર્જ અને ડેટા-મુક્ત પ્લાન લાગુ

TRAI ના નવા નિયમો હેઠળ પ્રીપેડ ગ્રાહકોને મળશે આખી મહિનો માન્યતા અને ઓછા ખર્ચે માત્ર કોલિંગ-મેસેજિંગની સુવિધા

નવી દિલ્હી : ભારતીય ટેલિકોમ સેક્ટરમાં પ્રીપેડ મોબાઇલ ગ્રાહકો માટે એક મોટા અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે, જેમાં ટ્રાઈ (TRAI) દ્વારા ટેલિકોમ ગ્રાહક સુરક્ષા નિયમોમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે.

ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકારે તેમની માંગણીઓ સ્વીકારી લીધી છે અને હવે દેશભરના પ્રીપેડ ગ્રાહકોને ૨૮ દિવસને બદલે પૂરા ૩૦ દિવસની વેલિડિટી સાથે રિચાર્જ પ્લાન મળશે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર રીલ શેર કરીને જણાવ્યું કે ૧૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ તેમણે સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, જેની ગંભીરતાથી નોંધ લઈને સરકારે ટેલિકોમ ગ્રાહક સુરક્ષા (૧૩મો સુધારો) નિયમન ૨૦૨૬ લાગુ કરી દીધું છે.

આ નવા સુધારાને કારણે એવા લાખો મોબાઈલ વપરાશકર્તાઓને પણ મોટો ફાયદો થશે જેઓ સ્માર્ટફોન કે ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરતા નથી અને માત્ર ઇનકમિંગ કોલ્સ કે મેસેજ માટે જ ફોન વાપરે છે. આ ગ્રાહકો માટે હવે ખાસ ઓછા ખર્ચવાળા ડેટા-મુક્ત ટેરિફ વાઉચર્સ અને ઇનકમિંગ-મેસેજ પેકેજ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી "જેટલી જરૂર, તેટલો જ ખર્ચ"નો સિદ્ધાંત સાકાર થઈ શકશે.

દેશના નાગરિકો લાંબા સમયથી પ્રીપેડ રિચાર્જ પ્લાનની માન્યતા ૨૮ દિવસથી વધારીને ૩૦ દિવસ કરવાની અને સસ્તા નોન-ડેટા પ્લાન લાવવાની માંગ કરી રહ્યા હતા, જેને પગલે હવે આ નવા નિયમો અમલી બન્યા છે. અગાઉ ફેબ્રુઆરી ૨૦૨૬ માં વિવિધ રાજકીય ઉથલપાથલ બાદ ભાજપમાં જોડાયેલા રાઘવ ચઢ્ઢાએ આ સફળતાને લોકપ્રિય રાજકારણનું સાચું ઉદાહરણ ગણાવ્યું છે, ત્યારે આગામી સમયમાં તમામ ટેલિકોમ કંપનીઓએ ફરજિયાતપણે આ નવા નિયમોનું પાલન કરવાનું રહેશે.

(3:48 PM IST)