<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

વિમાન મુસાફરો માટે મોટા રાહતના સમાચાર: મનસ્વી ફ્લાઇટ ટિકિટના ભાવ ઘટાડવા અને નિયંત્રણ માટેના નવા નિયમોને કેન્દ્ર સરકારની મંજૂરી!

તહેવારો અને ખાસ પ્રસંગો પર એરલાઇન્સ દ્વારા વસૂલાતા અધધ ભાડા સામે બ્રેક લાગવાની પૂરી સંભાવના: બે અઠવાડિયામાં નિયમો જાહેર થશે અને આગામી સુનાવણી ૧૬ નવેમ્બરે યોજાશે

નવી દિલ્હી:  દેશમાં તહેવારો, વેકેશન કે કટોકટીના સમયે એરલાઇન્સ કંપનીઓ દ્વારા મનસ્વી રીતે વસૂલવામાં આવતી હાઈ-ફ્લાઇટ ટિકિટો અને બેફામ ભાડા વધારાથી ત્રાસેલા સામાન્ય મુસાફરો માટે હવે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. દેશના ઉડ્ડયન ક્ષેત્રને કડક નિયંત્રણ અને નિયમન હેઠળ લાવવા માટે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ ખુલાસો કરતા જણાવ્યું છે કે ભારતીય વિમાન અધિનિયમ, ૨૦૨૪ હેઠળ બનાવવામાં આવેલા નવા નિયમોને વહીવટી મંજૂરી મળી ગઈ છે. જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ આર. મહાદેવન અને જસ્ટિસ અપરેશ કુમાર સિંહની વિશેષ બેન્ચ સમક્ષ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ માહિતી આપી હતી કે આ નવા નિયમો આગામી બે અઠવાડિયામાં સત્તાવાર રીતે પ્રકાશિત કરવામાં આવશે.

આ આખો મામલો સામાજિક કાર્યકર્તા એસ. લક્ષ્મીનારાયણ દ્વારા દાખલ કરવામાં આવેલી તે અરજી સાથે જોડાયેલો છે, જેમાં ઉડ્ડયન ક્ષેત્ર પર દેખરેખ રાખવા માટે એક સ્વતંત્ર નિયમનકાર (Regulator) ની માંગ કરવામાં આવી હતી. અગાઉ, સુપ્રીમ કોર્ટે પણ કડક ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે હવાઈ ભાડાં સામાન્ય જનતા માટે વાજબી અને પરવડે તેવા હોવા જોઈએ અને સરકારે મુસાફરોને રાહત આપવા માટે તાત્કાલિક નક્કર પગલાં લેવા જોઈએ. અગાઉ ગત ૧૭ ઓગસ્ટના રોજ સરકારે કોર્ટમાં સીલબંધ પરબિડીયામાં નિયમોનો ડ્રાફ્ટ રજૂ કર્યો હતો. હવે સરકારે સ્પષ્ટ કર્યું છે કે નિયમ બનાવવાની પ્રક્રિયા આખરી તબક્કામાં છે, જેના કારણે ટિકિટોના આકાશી ભાવ પર અંકુશ મૂકવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

કોર્ટે આ મામલાને ગંભીરતાથી લઈને સોલિસિટર જનરલને આગામી સુનાવણીમાં ભારતીય વિમાન અધિનિયમ, ૨૦૨૪ ના આ નવા નિયમોની નકલ કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો છે અને આ કેસની આગામી સુનાવણી આગામી ૧૬ નવેમ્બરના રોજ નિર્ધારિત કરવામાં આવી છે. હવાઈ મુસાફરો લાંબા સમયથી એરલાઇન્સની મોનોપોલી અને તહેવારોમાં અચાનક ભાવ વધારી દેવાની નીતિ સામે વિરોધ નોંધાવી રહ્યા હતા. નવા નિયમો અમલમાં આવ્યા બાદ ઉડ્ડયન ક્ષેત્રમાં પારદર્શિતા આવશે અને મનમાની રીતે ભાડા વસૂલતી વિમાન કંપનીઓ પર કડક લગામ કસાશે તેવી પ્રબળ આશા સેવાઈ રહી છે.

(7:33 PM IST)