<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

ટોલ પ્લાઝા નજીક રહેતા નાગરિકો માટે મોટા રાહતના સમાચાર: હવે 'રાજમાર્ગયાત્રા' એપ દ્વારા મિનિટોમાં જ બની જશે લોકલ ડિજિટલ પાસ!

NHAI એ પ્રક્રિયા કરી સંપૂર્ણ ડિજિટલ: ૨૦ કિમીના દાયરામાં રહેતા વાહનચાલકોને લાઈનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ, DigiLocker અને GIS ટેકનોલોજીથી ઘેરબેઠા થશે વેરિફિકેશન

નવી દિલ્હી : રાષ્ટ્રીય ધોરીમાર્ગો (National Highways) પર મુસાફરી કરતા અને ટોલ પ્લાઝા નજીક વસવાટ કરતા સ્થાનિક લોકો માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ એક મોટી સુવિધા પૂરી પાડી છે. ટોલ પ્લાઝાના ૨૦ કિલોમીટરના દાયરામાં રહેતા નાગરિકો માટે હવે લોકલ ટોલ પાસ મેળવવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ કરી દેવામાં આવી છે. યોગ્યતા ધરાવતા વાહનચાલકો હવે માત્ર 'રાજમાર્ગયાત્રા' (Rajmargyatra) મોબાઈલ એપ દ્વારા ગણતરીની મિનિટોમાં જ પોતાનો સ્થાનિક પાસ મેળવી શકશે, જેનાથી તેમને મહિનો અનલિમિટેડ અવર-જવર કરવાની સુવિધા મળશે.

દસ્તાવેજી ઝંઝટ અને લાંબી લાઈનોમાંથી મુક્તિ

અગાઉ સ્થાનિક ટોલ પાસ બનાવવા માટે વાહનચાલકોએ ટોલ પ્લાઝા પર રૂબરૂ જઈને સરનામાના પુરાવા અને ઓળખપત્રો જમા કરાવવા પડતા હતા. NHAI ની આ નવી પહેલથી હવે કોઈ પણ કાગળિયા જમા કરાવવાની જરૂર રહેશે નહીં. હાલમાં આ પાયલટ પ્રોજેક્ટ દિલ્હીના મુંડકા-બક્કરવાલા ટોલ પ્લાઝા (UER-II) પર સફળતાપૂર્વક શરૂ કરી દેવાયો છે. NHAI નો દાવો છે કે આગામી મહિનાઓમાં આ સિસ્ટમ દેશભરના તમામ ટોલ પ્લાઝા પર લાગુ કરી દેવામાં આવશે.

DigiLocker અને GIS ટેકનોલોજી દ્વારા ત્વરિત ખરાઈ

આ નવી ડિજિટલ વ્યવસ્થા હેઠળ પાસ મેળવવાની પ્રક્રિયા અત્યંત પારદર્શક અને ઝડપી રાખવામાં આવી છે:

· ઓટોમેટિક વેરિફિકેશન: DigiLocker અને VAHAN પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વાહનચાલકના સરનામા, વાહન નંબર અને FASTag ની માહિતી આપોઆપ ચકાસી લેવામાં આવશે.

· GIS લોકેશન ટ્રેકિંગ: જીઆઈએસ (GIS) આધારિત લોકેશન સિસ્ટમ દ્વારા સિસ્ટમ પોતે જ કન્ફર્મ કરી લેશે કે અરજદારનું નિવાસસ્થાન ટોલ પ્લાઝાથી ૨૦ કિમીની મર્યાદામાં આવેલું છે કે નહીં.

'માર્ગમિત્ર' હેલ્પ સેન્ટર અને ૨૨ ભાષાઓમાં સહાય

NHAI એ રાજમાર્ગયાત્રા એપમાં 'માર્ગમિત્ર' નામનું એક નવું ડિજિટલ પ્લેટફોર્મ પણ શરૂ કર્યું છે. આ હેલ્પ સેન્ટર ૨૨ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે, જે વાહનચાલકોને ફાસ્ટેગ રિચાર્જ, કેવાયસી, રિફંડ સ્ટેટસ અને લોકલ કે વાર્ષિક પાસ સંબંધિત તમામ પ્રશ્નોના નિરાકરણમાં મદદ કરશે. જો કોઈ ફરિયાદ હશે તો તેનું ઓનલાઈન ટ્રેકિંગ પણ થઈ શકશે.

 

(7:04 PM IST)