<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

ભારતની ઉર્જા સુરક્ષા માટે વૈશ્વિક મંચ પરથી રાહતના મોટા સમાચાર: અમેરિકા-ઈરાન શાંતિ કરાર બાદ ‘હોર્મુઝ સ્ટ્રેટ’માંથી ૧૧ ભારતીય જહાજો હેમખેમ રવાના!

પશ્ચિમ એશિયાના યુદ્ધના વાદળો વિખેરાતા આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ ખુલ્લો થયો; પર્સિયન ગલ્ફમાં હજી પણ ૧૦ ભારતીય જહાજો હાજર, વિદેશ મંત્રાલયે આપી સત્તાવાર માહિતી

નવી દિલ્હી : પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં લાંબા સમયથી ચાલી રહેલા ભયંકર તણાવ અને સંઘર્ષની વચ્ચે ભારત માટે ખૂબ જ રાહત આપનારા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. વિશ્વના સૌથી સંવેદનશીલ દરિયાઈ વેપાર માર્ગ ગણાતા ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) માંથી ભારત આવી રહેલા ૧૧ માલવાહક જહાજો કોઈપણ અવરોધ વિના અત્યંત સુરક્ષિત રીતે પસાર થઈ ગયા છે. વૈશ્વિક કૂટનીતિના સ્તર પર અમેરિકા (US) અને ઈરાન વચ્ચે થયેલા ઐતિહાસિક શાંતિ કરાર (MoU) ને અંતિમ ઓપ આપવામાં આવ્યા બાદ આ મહત્વપૂર્ણ સફળતા મળી છે, જેણે ભારતની ઉર્જા સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય વેપારને મોટી ગતિ આપી છે.

નવી દિલ્હીમાં યોજાયેલી એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલય (MEA) ના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે મંગળવારે (૨૩ જૂન) આ સંવેદનશીલ ઓપરેશન અંગે સત્તાવાર પુષ્ટિ કરી હતી. તેમણે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિ હળવી થતાં જ ભારતીય જહાજોની સુરક્ષિત અવરજવર શરૂ થઈ ચૂકી છે. વર્તમાન સ્થિતિ અનુસાર, ૧૧ જહાજો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે, જ્યારે ભારતનો રાષ્ટ્રધ્વજ ધરાવતા અન્ય ૧૦ જહાજો હજી પણ પર્સિયન ગલ્ફ (પર્શિયાની ખાડી) ના ક્ષેત્રમાં મોજૂદ છે અને બહુ વહેલી તકે ભારત આવવા રવાના થશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વધુમાં ઉમેર્યું કે, "આ ૧૦ જહાજો ઉપરાંત તાજેતરમાં જ વધુ બે ભારતીય જહાજો પર્સિયન ગલ્ફના વિસ્તારમાં પહોંચ્યા છે. ભારતીય નૌસેના અને વિદેશ મંત્રાલય ત્યાં હાજર તમામ જહાજો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા પર અત્યંત બારીકાઈથી નજર રાખી રહ્યા છે." ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ અને ગેસના પરિવહન માટે હોર્મુઝ સ્ટ્રેટનો માર્ગ ભારત માટે લાઈફલાઈન સમાન છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિ કરારને પગલે પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થપાતા ભારતીય નિકાસકારો અને તેલ કંપનીઓએ મોટી રાહતનો શ્વાસ લીધો છે.

(6:23 PM IST)