તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
વેપારીઓ અને ગ્રાહકો માટે મોટા રાહતના સમાચાર: GST દરોમાં વારંવાર થતી ફેરબદલનો અંત: હવે વર્ષમાં ફક્ત એક જ વાર બદલાશે ટેક્સ રેટ!
નાણા મંત્રાલયનો મોટો પ્લાન: ભવિષ્યના તમામ સુધારા ૧ એપ્રિલથી જ અમલી બનશે: સ્થિર ટેક્સ નીતિથી દેશના વેપાર, કિંમત નિર્ધારણ અને રોકાણને મળશે નવું બળ

નવી દિલ્હી: દેશના ઉદ્યોગજગત અને સામાન્ય કરદાતાઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતજનક સમાચાર સામે આવ્યા છે. જીએસટી (GST) દરોમાં અવારનવાર થતા ફેરફારો અને તેના કારણે ઊભી થતી અસ્પષ્ટતાનો હવે કાયમી અંત આવવા જઈ રહ્યો છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાનારી GST કાઉન્સિલની બેઠક પહેલા નાણા મંત્રાલયના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે, હવેથી GST દરોમાં ફેરફાર કરવાના કોઈપણ પ્રસ્તાવ પર વર્ષમાં માત્ર એક જ વાર વિચાર કરવામાં આવશે. આટલું જ નહીં, કરવેરાના દરોમાં કરવામાં આવેલા તમામ નવા ફેરફારો હવે નવા નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે ૧ એપ્રિલથી જ લાગુ કરવામાં આવશે. આ નિર્ણયથી વ્યવસાયોને આખા વર્ષ માટે તેમની કિંમત નીતિ અને મૂડી ખર્ચનું આયોજન કરવામાં મોટી નિશ્ચિતતા મળશે.
અગાઉ કાઉન્સિલ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં કરવેરાના સ્લેબને સુવ્યવસ્થિત કરીને ચાર-સ્લેબ સિસ્ટમ (૫%, ૧૨%, ૧૮% અને ૨૮%) ને બદલે મુખ્યત્વે બે-દર સિસ્ટમ (૫% અને ૧૮%) માં તર્કસંગત બનાવવામાં આવી હતી. આગામી ૫૭મી GST કાઉન્સિલની બેઠકના એજન્ડામાં દરોમાં કોઈ મોટા ફેરફાર કરવાનો સમાવેશ કરાયો નથી, પરંતુ દરોને સુસંગત બનાવવા અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ સંબંધિત મર્યાદિત મુદ્દાઓ પર જ ચર્ચા થશે. પ્રસ્તાવ મુજબ, ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ દ્વારા થતા સપ્લાય પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) વિના ૫% નો એકસરખો GST દર મંજૂર કરવાની શક્યતા છે. કાઉન્સિલનો મુખ્ય હેતુ કરવેરા પ્રણાલીને વધુ સુગમ બનાવવાનો છે જેથી વેપારીઓને વારંવાર એકાઉન્ટિંગ અને બિલિંગ સોફ્ટવેર બદલવાની ઝંઝટમાંથી મુક્તિ મળે.
નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે કરવામાં આવેલા GST દરોના તર્કસંગતકરણના કારણે દેશમાં વપરાશ વધ્યો છે અને સાથે જ ટેક્સ કલેક્શનમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ચાલુ વર્ષના જૂન મહિનાથી માસિક GST આવકમાં સતત બે આંકડામાં વૃદ્ધિ નોંધાઈ છે. આંકડા દર્શાવે છે કે સ્થિર કર પ્રણાલીથી ગ્રાહકો, ઉદ્યોગો અને દેશના સમગ્ર અર્થતંત્રને મોટો ફાયદો થયો છે. કોઈપણ કામચલાઉ કરમુક્તિ કે છૂટછાટ કરતાં ટેક્સ રેટમાં સ્થિરતા હોવી વેપારીઓ માટે વધુ ફાયદાકારક સાબિત થાય છે, જેના કારણે સરકાર હવે આ 'એક વર્ષ - એક ફેરફાર' ની ક્રાંતિકારી નીતિને મજબૂતીથી અમલમાં મૂકવા જઈ રહી છે.
(7:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
