News of Saturday, 30th May 2026
પાકિસ્તાની જનતાને મોટી રાહત: પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂ. ૨૨નો ધડાકો : આર્થિક સંકટ વચ્ચે સરકારે લીધો મોટો નિર્ણય
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ સસ્તું થતાં શરીફ સરકારે સતત બીજા અઠવાડિયે ઈંધણના ભાવ ઘટાડ્યા: મોંઘવારીના ચક્કરમાં પીસાતી જનતાને મળી અણધારી ટાઢક

ઈસ્લામાબાદ : ભયંકર આર્થિક સંકટ અને આસમાને આંબતી મોંઘવારીનો સામનો કરી રહેલા પાકિસ્તાનના નાગરિકો માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે. પાકિસ્તાન સરકારે સામાન્ય જનતાને મોટી ભેટ આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર સીધો ૨૨ રૂપિયાનો તોતિંગ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે ગયા અઠવાડિયે જ સરકારે કિંમતોમાં ૬ થી ૭ રૂપિયાનો કાપ મૂક્યો હતો, અને હવે સતત બીજા અઠવાડિયે આ મોટો ઘટાડો કરવામાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોએ મોટી રાહતનો શ્વાસ લીધો છે. આ નવા દરો આગામી ૩૦ મેથી શરૂ થતા સપ્તાહ માટે દેશભરમાં અમલી બની જશે.
આ આશ્ચર્યજનક ઘટાડા પાછળ વૈશ્વિક બજારના બદલાતા સમીકરણો જવાબદાર છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી શાંતિ કરારની વાટાઘાટોને પગલે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં માત્ર એક જ અઠવાડિયામાં ૧૧%નો મોટો કડાકો જોવા મળ્યો છે. જો કે, હોર્મુઝ સ્ટ્રેટ અંગે હજુ પણ બંને દેશો વચ્ચે તણાવ યથાવત છે, તેમ છતાં ક્રૂડ સસ્તું થવાનો સીધો ફાયદો પાકિસ્તાનને મળ્યો છે. આ કપાત બાદ હવે પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત ૩૮૦ રૂપિયા પ્રતિ લિટર અને હાઇ-સ્પીડ ડીઝલની કિંમત ૩૮૧ રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગઈ છે, જ્યારે કેરોસીનના ભાવ પણ રૂ. ૩૧૩.૪૪ થી ઘટીને ૨૭૨ રૂપિયા થઈ ગયા છે.
આ રાહત પહેલા પાકિસ્તાની જનતાએ મોંઘવારીનો ભયાનક માર સહન કર્યો છે. માર્ચ મહિનામાં અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના યુદ્ધની સ્થિતિ બાદ પાકિસ્તાન સરકારે એક ઝાટકે પેટ્રોલમાં ૫૫ રૂપિયાનો રેકોર્ડબ્રેક વધારો કર્યો હતો, ત્યારબાદ એપ્રિલમાં પણ ભાવ આસમાને પહોંચ્યા હતા. સામાન્ય રીતે પેટ્રોલમાં થતો ફેરફાર રિક્ષા, બાઇક અને નાની કાર ચલાવતા સામાન્ય પરિવારોના બજેટને સીધી અસર કરે છે, જ્યારે ડીઝલ સસ્તું થવાથી પરિવહન ખર્ચ ઘટશે. બીજી તરફ, ભારતે પોતાની ઓઈલ કંપનીઓના નુકસાનની ભરપાઈ કરવા અને સામાન્ય માણસને આંચકાથી બચાવવા માટે કિંમતોમાં ખૂબ જ ધીમે ધીમે અને તબક્કાવાર ફેરફાર કરવાની નીતિ અપનાવી છે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
