તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
નોઈડાના ડીએમ મેધા રૂપમને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત: અલ્હાબાદ હાઈકોર્ટના રદબાતલ આદેશ અને ₹૫ લાખના દંડ પર સ્ટે!
વિદ્યાર્થીની NSA હેઠળ કરાયેલી અટકાયત અને નોઈડા ડીએમ સામેની કડક ટિપ્પણીઓ પર સર્વોચ્ચ અદાલતે ચુકાદો અનામત રાખ્યો: પગારમાંથી વળતર કાપવાના નિર્ણય પર આંશિક રોક

નોઈડા : ગૌતમ બુદ્ધ નગર (નોઈડા અને ગ્રેટર નોઈડા) ના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) મેધા રૂપમને દેશની સર્વોચ્ચ અદાલત તરફથી બહુ મોટી કાનૂની રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના એ આદેશ પર સ્ટે મૂકી દીધો છે, જેમાં વિદ્યાર્થીની રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ કરાયેલી અટકાયત રદ કરવામાં આવી હતી, નોઈડાના ડીએમ મેધા રૂપમની કડક શબ્દોમાં ટીકા કરવામાં આવી હતી અને તેમના પગારમાંથી ₹૫ લાખનું વળતર કાપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. હાઈકોર્ટના આ નિર્દેશ સામે ડીએમ મેધા રૂપમે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.
જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ એન.કે. સિંહની પીઠે આ મામલે સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા ડીએમ મેધા રૂપમ અને પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સહિતના અધિકારીઓના પગારમાંથી વળતર વસૂલવાના આદેશ પર આંશિક સ્ટે આપ્યો છે. આ સાથે જ અદાલતે નોઈડા ડીએમ દ્વારા દાખલ કરાયેલી અરજી પર પોતાનો આખરી નિર્ણય અનામત રાખ્યો છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત એપ્રિલ મહિનામાં નોઈડા ખાતે મજૂરોના વિરોધ પ્રદર્શન દરમિયાન થઈ હતી, જ્યાં દિલ્હી યુનિવર્સિટી (DU) ની ૨૫ વર્ષીય ઇતિહાસ સ્નાતક વિદ્યાર્થીની આકૃતિ ચૌધરીની NSA હેઠળ અટકાયત કરવામાં આવી હતી. આ અટકાયતને પડકારતી હેબિયસ કોર્પસ અરજી પર ૨ સપ્ટેમ્બરે ચુકાદો આપતાં અલ્હાબાદ હાઈકોર્ટે અટકાયતને રદ કરી હતી અને તંત્રના વલણને "બેદરકારીભર્યું" તથા "મનસ્વી" ગણાવી ડીએમની સખત ઝાટકણી કાઢી હતી. જોકે, હવે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ નિર્દેશો પર રોક લગાવતા નોઈડાના વહીવટી આલમમાં મોટી રાહત જોવા મળી છે.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
