તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
ભાડુઆતોને મોટી રાહત: સામાન્ય ઘસારા-વપરાશના નામે સિક્યોરિટી ડિપોઝિટમાંથી કપાત નહીં કરી શકાય: દિલ્હી હાઈકોર્ટ

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે ભાડે રહેલી મિલકતમાં સામાન્ય વપરાશથી થતો ઘસારો (Normal Wear and Tear) અથવા દીવાલોને ફરી રંગવાનું (Repainting) કારણ બતાવીને મકાનમાલિક ભાડુઆતની સિક્યોરિટી ડિપોઝિટમાંથી મનસ્વી રીતે રકમ કાપી શકશે નહીં. માત્ર ભાડુઆતની બેદરકારી અથવા ઈરાદાપૂર્વક થયેલા વાસ્તવિક નુકસાનનો પુરાવો હોય ત્યારે જ કપાત કરી શકાશે.
દેશભરના ભાડુઆતો માટે મહત્વપૂર્ણ ગણાય તેવા ચુકાદામાં દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું છે કે ભાડુઆત દ્વારા મકાનનો સામાન્ય ઉપયોગ થવાને કારણે દીવાલોનો રંગ ફિક્કો પડી જવો, નાના ખીલના નિશાન, સામાન્ય સ્ક્રેચિસ અથવા નિયમિત વપરાશથી થતો ઘસારો ભાડુઆતની જવાબદારી ગણાવી શકાશે નહીં. આવા કારણોસર સિક્યોરિટી ડિપોઝિટમાંથી રકમ કાપવાનો અધિકાર મકાનમાલિકને નથી.
કોર્ટના અવલોકન મુજબ, ભાડાની અવધિ પૂર્ણ થયા બાદ મકાનને ફરી રંગાવવું અથવા સામાન્ય જાળવણી કરાવવી એ મકાનમાલિકની નિયમિત જવાબદારીનો ભાગ છે. તેથી આ પ્રકારના ખર્ચનો બોજ ભાડુઆત પર મૂકી શકાય નહીં.
હાઈકોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું કે જો ભાડુઆતે મિલકતને અસામાન્ય અથવા ગંભીર નુકસાન પહોંચાડ્યું હોય, જેમ કે ફિક્સચર તોડફોડ, માળખાકીય નુકસાન અથવા કરારની શરતોનો ભંગ કર્યો હોય અને તેનો પુરાવો ઉપલબ્ધ હોય, તો મકાનમાલિક સિક્યોરિટી ડિપોઝિટમાંથી વાજબી કપાત કરી શકે છે. પરંતુ સામાન્ય વપરાશને નુકસાન ગણાવી કપાત કરવી કાયદેસર નથી.
આ ચુકાદો મેસર્સ રિટ્સ હેરિટેજ અને અન્ય સંબંધિત ભાડા વિવાદના કેસની સુનાવણી દરમિયાન આપવામાં આવ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. કોર્ટના આ નિર્ણયથી ભાડુઆતોના હકોને વધુ મજબૂતી મળશે અને સિક્યોરિટી ડિપોઝિટ પર મનસ્વી કપાત અંગે માર્ગદર્શન પણ મળશે.
કાનૂની નિષ્ણાતોના મતે, આ ચુકાદો ભાડા સંબંધિત વિવાદોમાં મહત્વપૂર્ણ નઝીર બની શકે છે. ભાડા કરારમાં સ્પષ્ટ શરતો હોવા છતાં સામાન્ય ઘસારા-વપરાશને નુકસાન ગણાવી સિક્યોરિટી ડિપોઝિટમાંથી રકમ કાપી શકાય નહીં, જ્યારે વાસ્તવિક નુકસાન સાબિત થાય ત્યારે જ મકાનમાલિકને કપાત કરવાનો અધિકાર રહેશે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
