<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનને મોટી રાહત : અમેરિકાએ અટકાવેલી ગુપ્તચર માહિતી ફરી આપવાનું શરૂ કર્યું: ઝેલેન્સ્કીએ અમેરિકાની સહાય પુનઃ શરૂ થયાની પુષ્ટિ કરી

રશિયન બેલિસ્ટિક મિસાઇલ હુમલાની આગોતરી ચેતવણી મેળવવામાં હવે યુક્રેનને મહત્વપૂર્ણ મદદ મળશે

કિવ: રશિયા સામે યુદ્ધ લડી રહેલા યુક્રેનને અમેરિકાની મહત્વપૂર્ણ ગુપ્તચર માહિતી ફરી મળવા લાગી છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રવિવારે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે થોડા સમય માટે અવરોધાયેલી માહિતીની આપલે હવે પુનઃ શરૂ થઈ છે. રશિયાની બેલિસ્ટિક મિસાઇલોના પ્રક્ષેપણ અંગે આગોતરી ચેતવણી મેળવવા યુક્રેન અમેરિકાની માહિતી ઉપર નોંધપાત્ર આધાર રાખે છે.

અમેરિકા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલા તણાવ વચ્ચે રવિવારે મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે.

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ અમેરિકાના એક ટેલિવિઝન કાર્યક્રમમાં જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે ગુપ્તચર માહિતીની આપલે થોડા સમય માટે અવરોધાઈ હતી. જોકે હવે આ સહકાર ફરી શરૂ થયો છે.

તેમણે આ માટે અમેરિકાનો આભાર વ્યક્ત કર્યો હતો અને હાલમાં માહિતીની આપલે કાર્યરત હોવાનું જણાવ્યું હતું.

રશિયા યુક્રેનનાં શહેરો અને ઊર્જા મથકો ઉપર બેલિસ્ટિક મિસાઇલોથી હુમલા કરી રહ્યું છે. આવી મિસાઇલો અત્યંત ઝડપથી લક્ષ્ય સુધી પહોંચતી હોવાથી સમયસર ચેતવણી મળવી યુક્રેનની હવાઈ સંરક્ષણ વ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે.

ગયા સપ્તાહે યુક્રેનના અધિકારીઓએ ફરિયાદ કરી હતી કે કેટલાક રશિયન મિસાઇલ હુમલાઓ પહેલાં તેમને સામાન્ય રીતે મળતી આગોતરી ચેતવણી મળી નહોતી.

જોકે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ગુપ્તચર માહિતી આપવાનું બંધ કરાયું હોવાનો ઇનકાર કર્યો હતો.

રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીએ આગામી દિવસોમાં અમેરિકા સાથે વધુ ચર્ચા થવાની આશા પણ વ્યક્ત કરી છે.

(11:27 AM IST)