તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th November 2026
વોશિંગ્ટન ડીસી જિમ ગોળીબારની ઘટનામાં મોટો ખુલાસો : ૧.૧ મિલિયન ડોલરના એપાર્ટમેન્ટમાં 'બ્લેક મોલ્ડ' ની સમસ્યા અને એસોસિએશન સાથેના વિવાદમાં ફસાયેલા ડૉક્ટર મેટ લેમ્બર્ટ નીકળ્યા હુમલાખોર
સાતમા માળે રહેતા ઇમરજન્સી રૂમના ડૉક્ટરે બિલ્ડિંગના મરામત કાર્ય અને ભેજની સમસ્યાને લઈને માર્ચ ૨૦૨૫માં કર્યો હતો કોર્ટ કેસ : જિમમાં ખૂની ખેલ રમીને અંતે પોતે પણ આત્મહત્યા કરી લેનાર હુમલાખોરની ઓળખ જાહેર

વોશિંગ્ટન: અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીના લોગન સર્કલ વિસ્તારમાં આવેલી વિડા ફિટનેસ સેન્ટર (જિમ) ખાતે ગુરુવારે સવારે થયેલા ચકચારી ગોળીબારના કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આ અંધાધૂંધ ગોળીબાર કરનાર હુમલાખોર અન્ય કોઈ નહીં પરંતુ ૧.૧ મિલિયન ડોલરની કિંમતના લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહેતા અને હોમઓનર્સ એસોસિએશન (HOA) સાથે બ્લેક મોલ્ડ (ફૂગ) ના વિવાદને લઈને લાંબી કાનૂની લડાઈ લડી રહેલા અનુભવી ઇમરજન્સી ફિઝિશિયન ડૉ. મેટ લેમ્બર્ટ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
એપાર્ટમેન્ટમાં મરામત બાદ ફૂગ અને ભેજ વધવાની હતી અદાલતી લડાઈ:
ઘટનાની વિગતો મુજબ, ૧૫૧૫ ૧૫મી સ્ટ્રીટ નોર્થવેસ્ટ ખાતે આવેલા મોટ્રોપોલ કોન્ડોમિનિયમ એસોસિએશનના સાતમા માળે રહેતા ડૉ. મેટ લેમ્બર્ટે ગત માર્ચ ૨૦٢૫માં એસોસિએશન સામે અદાલતમાં દાવો માંડ્યો હતો. તેમનો આરોપ હતો કે બિલ્ડિંગની મરામત અને રિનોવેશન કામગીરીને કારણે આસપાસ સ્કેફોલ્ડિંગ અને ડ્રેપ ગોઠવવામાં આવ્યા હતા, જેના પરિણામે તેમના ઘરમાં ભેજ જમા થયો હતો અને બ્લેક મોલ્ડ (ફૂગ) ફેલાઈ ગઈ હતી. આ સમસ્યાના કારણે તેમને લાંબા સમય સુધી શાવર, ડ્રાયર, એચવીએસી (HVAC) અને રસોડાની સુવિધા વગર મુશ્કેલભર્યું જીવન જીવવું પડ્યું હતું, જેનો રોષ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પણ ઠાલવ્યો હતો. વોર્ડ ૨ના કાઉન્સિલ મેમ્બર બ્રૂક પિન્ટોએ જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી મુજબ હુમલાખોર કોન્ડોમિનિયમના વિવાદને લઈને સક્રિય મુકદ્દમામાં હતો અને તે જિમમાં કોઈ ચોક્કસ વ્યક્તિને નિશાન બનાવી રહ્યો હતો.
જિમમાં ખૂની ખેલ રમીને હુમલાખોરે જીવન ટૂંકાવ્યું:
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ડૉ. મેટ લેમ્બર્ટ પોતે બે દાયકાથી વધુનો ક્લિનિકલ અનુભવ ધરાવતા ઇમરજન્સી ફિઝિશિયન અને મેડિકલ ટેક એક્ઝિક્યુટિવ હતા, જેઓ વેસ્ટ વર્જિનિયાના પર્વતીય વિસ્તારો અને વોશિંગ્ટન ડીસી વચ્ચે સમય વિતાવતા હતા. ગુરુવારે સવારે તેઓ પોતાના સાતમા માળના એપાર્ટમેન્ટમાંથી નીચે આવ્યા હતા અને ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ફિટનેસ સેન્ટરની અંદર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા. આઘાતજનક કૃત્ય કર્યા બાદ હુમલાખોર દોડીને પોતાના એપાર્ટમેન્ટમાં પાછો ગયો હતો અને ત્યાં લગભગ એક કલાક સુધી પોલીસ સાથે ઘેરાબંધીની સ્થિતિ રહ્યા બાદ અંતે તેણે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ દુખદ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ભારે સનસનાટી ફેલાઈ ગઈ છે.
(12:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
