તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા ગોળીબાર કેસમાં મોટો ઘટસ્ફોટ: દિલ્હીથી પકડાયેલી બે મહિલાઓ સહિત ચાર આરોપીઓને ૨૬ ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં સોંપાયા
હુમલાખોરોને હથિયારો પહોંચાડવા અને હાઇ-પ્રોફાઇલ ષડયંત્રમાં સંડોવણી હોવાનો પોલીસનો દાવો; અત્યાર સુધીમાં કુલ ૧૦ આરોપીઓની ધરપકડ થતા મુંબઈ પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ.

મુંબઈ : બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર થયેલા સનસનાટીભર્યા ગોળીબાર કેસમાં મુંબઈ પોલીસની તપાસ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. દિલ્હીથી ઝડપવામાં આવેલા ચાર નવા આરોપીઓને, જેમાં બે મહિલાઓ પણ સામેલ છે, મુંબઈની એક વિશેષ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામ આરોપીઓની સંડોવણી અને પોલીસની દલીલોને ધ્યાનમાં રાખીને તેમને ૨૬ ઓક્ટોબર સુધીની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, પકડાયેલા આરોપીઓની ઓળખ હરિયાણાના સોનીપત જિલ્લાના રહેવાસી કુણાલ (૨૧) અને સુમિત (૧૯) તેમજ ઉત્તર પ્રદેશના રહેવાસી રાધા (૨૩) અને બબીતા (૨૩) તરીકે થઈ છે. પોલીસ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ ચારેય આરોપીઓએ અગાઉ પકડાયેલા ગુનેગારો સાથે મળીને એક ગંભીર ષડયંત્ર રચ્યું હતું. આ લોકોએ હુમલાખોરોને ગુનામાં વપરાયેલા જીવલેણ હથિયારો પૂરા પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે કે આ જૂત્રના બે પુરુષ આરોપીઓ હથિયારો મેળવવા માટે અમૃતસર ગયા હતા, જ્યારે બંને મહિલાઓએ ટ્રેન દ્વારા હથિયારોની ગુપ્ત રીતે દાણચોરી કરીને મુંબઈ પહોંચાડ્યા હતા અને સીધા જ હુમલાખોરોને સોંપ્યા હતા. જો કે, બચાવ પક્ષના વકીલો અજિંક્ય મિરગુળ અને સત્યવ્રત જોશીએ રિમાન્ડનો સખત વિરોધ કરતા દલીલ કરી હતી કે તેમની વિરુદ્ધ કોઈ પૂરતા પુરાવા નથી અને માત્ર શંકાના આધારે જ કાર્યવાહી થઈ રહી છે. તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મેજિસ્ટ્રેટે આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.
ઉલ્લેખનીય છે કે ગત રવિવારે સાંજે મુંબઈના પોશ જુહુ વિસ્તારમાં બે અજાણ્યા શખ્સોએ ટાઈગર શ્રોફની કાર પર અંદાજે ૫ થી ૬ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ મોટરસાઈકલ પર ફરાર થઈ ગયા હતા. સદનસીબે આ ભીષણ હુમલામાં અભિનેતા સુરક્ષિત રહ્યા હતા, પરંતુ તેમના ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. પોલીસે હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ હાઇ-પ્રોફાઇલ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૧૦ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આ અગાઉ બુધવારે કોર્ટે રેહાન ઉર્ફે સુક્કા, રિતિક કુર્મી ઉર્ફે રોશન અને ફૂલ સિંહ નામના અન્ય ત્રણ આરોપીઓને ૩૧ ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ પર મોકલ્યા હતા. મુંબઈ પોલીસ હવે આ સમગ્ર ગેંગના નેટવર્કને તોડી પાડવા અને માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા માટે સઘન પૂછપરછ કરી રહી છે.
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
