<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના પૂર્વ ADC ઋષભ સિંહ સામ્બ્યાલનો મોટો ખુલાસો: દેશના સર્વોચ્ચ પદની સુરક્ષા માટે આપવું પડ્યું સૌથી મોટું બલિદાન!

૧૨ વર્ષની લશ્કરી સેવા બાદ નિવૃત્તિ લેનારા સોશિયલ મીડિયાના "નેશનલ ક્રશ" નું પોડકાસ્ટમાં દર્દ છલકાયું; કહ્યું, "રાષ્ટ્રપતિના એડીસી બનવાની શરતને કારણે લગ્ન ન કરી શક્યો અને પરિવારથી દૂર રહ્યો."

નવી દિલ્હી : ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભૂતપૂર્વ એડીસી (ADC - એડ-ડી-કેમ્પ) અને સોશિયલ મીડિયા પર "નેશનલ ક્રશ" તરીકે જાણીતા બનેલા પૂર્વ આર્મી ઓફિસર ઋષભ સિંહ સામ્બ્યાલે તાજેતરમાં એક પોડકાસ્ટ ઈન્ટરવ્યુમાં પોતાના વ્યક્તિગત જીવન અને રાષ્ટ્રપતિની સેવા દરમિયાન આપેલા બલિદાનો અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ૧૨ વર્ષ સુધી ભારતીય સેનામાં ઉત્કૃષ્ટ સેવા આપ્યા બાદ અકાળે નિવૃત્તિ લઈને સૌને આશ્ચર્યમાં મૂકનાર ઋષભ સિંહે સ્વીકાર્યું હતું કે રાષ્ટ્રપતિના એડીસી તરીકે ફરજ બજાવતી વખતે તેમણે પોતાના અંગત જીવનની સૌથી મોટી કિંમત ચૂકવવી પડી હતી.

 

પ્રસિદ્ધ પોડકાસ્ટર રાજ શમાણી સાથેની ખાસ વાચચીતમાં ઋષભ સિંહે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિના એડીસી બનવા માટે એક વિશેષ કલમ છે જે લગ્ન કરવા પર પ્રતિબંધ મૂકે છે. તેમણે કહ્યું, "હું પરિણીત નથી. રાષ્ટ્રપતિની સુરક્ષા અને સેવા માટે મારે મારા પરિવારથી સતત દૂર રહેવું પડ્યું, જે મારા જીવનનું સૌથી મોટું બલિદાન છે. આ પ્રોટોકોલને કારણે બહાર મારી કોઈ અંગત જિંદગી નહોતી. જ્યારે હું રાષ્ટ્રપતિ સાથે ફરજ પર હતો, ત્યારે એક સામાન્ય નાગરિકની જેમ બહાર જઈને જીવનનો આનંદ માણી શકતો નહોતો."

 

પોતાની પસંદગીની પ્રક્રિયાને યાદ કરતા તેમણે ઉમેર્યું હતું કે, શરૂઆતમાં તેમને એડીસીની ભૂમિકા વિશે કોઈ ખ્યાલ નહોતો અને તેઓ આ પોસ્ટિંગ માટે ઉત્સુક પણ નહોતા. પરંતુ તેમના કમાન્ડિંગ ઓફિસર (CO) ના માર્ગદર્શન અને સખત તાલીમ બાદ તેમણે આ પડકાર સ્વીકાર્યો હતો. કડક સુરક્ષા પ્રોટોકોલ અને અવિરત ફરજના કારણે ક્યારેક એકલતા અનુભવાતી હોવાનું સ્વીકારતા તેમણે ઉમેર્યું કે, "હું તે એકલતાને સકારાત્મક ઊર્જામાં બદલી નાખતો હતો. આજે પણ મને દિવસમાં ઓછામાં ઓછો એક કલાક એકાંતમાં ગાળવો ગમે છે, જે મને મારી જાતનું આત્મનિરીક્ષણ કરવાની તક આપે છે." ઋષભ સિંહના આ ખુલાસાથી દેશના સર્વોચ્ચ પદની સુરક્ષા પાછળ સેનાના અધિકારીઓએ આપવા પડતા આકરા સમર્પણની વાસ્તવિકતા સામે આવી છે.

 

(7:50 PM IST)