તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર થયેલા ગોળીબાર કેસમાં મોટો ઘટસ્ફોટ: તમામ ૧૧ આરોપીઓ સામે એમસીઓસીએ કાયદો લાગુ
કુખ્યાત ગેંગ દ્વારા અભિનેતાની કાર પર કરવામાં આવેલા હુમલાના કેસમાં મુંબઈ પોલીસે કડક પગલાં લેતા તમામ પકડાયેલા આરોપીઓની નવેસરથી ધરપકડ કરી છે.

મુંબઈ : મુંબઈના જુહુ વિસ્તારમાં બોલિવૂડના જાણીતા અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર થયેલા સનસનાટીભર્યા ગોળીબારના પ્રકરણમાં તપાસ કરી રહેલી મુંબઈ પોલીસ દ્વારા અત્યંત કડક કાનૂની પગલાં ભરવામાં આવ્યા છે. આ કેસમાં અગાઉ પકડાયેલા તમામ ૧૧ આરોપીઓ વિરુદ્ધ મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (એમસીઓસીએ) એક્ટની જોગવાઈઓ ઉમેરીને બુધવારે વિશેષ અદાલતમાં રજૂ કરી તેમની નવેસરથી ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૧૮ ઓક્ટોબરે ૩૬ વર્ષીય અભિનેતા ટાઇગર શ્રોફ ફૂટબોલ ગ્રાઉન્ડથી પોતાના ઘરે પર ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા શૂટરોએ તેમની કારને નિશાન બનાવીને પાંચથી છ રાઉન્ડ આડેધડ ગોળીબાર કર્યો હતો. સદભાગ્યે આ જીવલેણ હુમલામાં અભિનેતાનો બચાવ થયો હતો, પરંતુ તેમના ડ્રાઈવર સહિત બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેણે સમગ્ર ફિલ્મ જગતમાં ભારે ફફડાટ ફેલાવી દીધો હતો.
આ ગંભીર ગુનાની તપાસ દરમિયાન પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ હુમલા પાછળ કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ છે અને ગેંગના સભ્યો દ્વારા આ ગોળીબારની જવાબદારી પણ સ્વીકારવામાં આવી હતી. આ કેસના તાર જોરડતા પોલીસે રાજસ્થાનના કોટા રેલવે સ્ટેશન તેમજ દિલ્હી અને હરિયાણા જેવા વિવિધ વિસ્તારોમાંથી ત્રણ મુખ્ય શૂટરો સહિત કુલ ૧૧ આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં ઉત્તર પ્રદેશની બે મહિલાઓ રાધા અને બબિતાનો પણ સમાવેશ થાય છે.
આરોપીઓ વિરુદ્ધ સંગઠિત ગુનાખોરીનો નાશ કરવા માટે પોલીસ દ્વારા મંગળવારના રોજ એમસીઓસીએ (MCOCA) કાયદો લગાવવામાં આવ્યો હતો, અને બુધવારે તેમને મુંબઈની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે પોલીસની અરજી ગ્રાહ્ય રાખીને આરોપીઓની નવેસરથી ધરપકડ મંજૂર કરી છે, અને હવે આગામી પોલીસ કસ્ટડી અને રિમાન્ડ માટે ગુરુવારે તેમને ફરીથી વિશેષ કોર્ટમાં હાજર કરવામાં આવશે.
કાનૂની નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, એમસીઓસીએ જેવા અત્યંત કડક કાયદા હેઠળ આરોપીઓ માટે જામીન મેળવવાની પ્રક્રિયા અત્યંત જટિલ બની જાય છે અને સામાન્ય કાયદાઓની સરખામણીમાં પોલીસને ચાર્જશીટ દાખલ કરવા માટે ૧૨૦ દિવસનો સમય મળે છે, તેમજ આરોપીઓની લાંબી કસ્ટડી મેળવવાનો માર્ગ પણ મોકળો બને છે.
આ ચકચારી મામલામાં સંડોવાયેલા અન્ય વોન્ટેડ આરોપી અનિલ પંડિતની શોધખોળ હાલ તેજ કરી દેવામાં આવી છે, અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ આંતરરાજ્ય ગેંગના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે આગળની ઊંડાણપૂર્વકની તપાસ સઘન રીતે ચલાવવામાં આવી રહી છે.
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
