તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
વર્લ્ડ ઈકોનોમિક ફોરમનો મોટો ખુલાસો: 'ગ્લોબલ જેન્ડર ગેપ ઈન્ડેક્સ 2026'માં ભારતે 131મું સ્થાન જાળવી રાખ્યું, આઈસલેન્ડ વિશ્વમાં મોખરે!
વૈશ્વિક સ્તરે સંપૂર્ણ લિંગ સમાનતા હાંસલ કરવામાં હજુ ૧૨૦ વર્ષ લાગશે: શિક્ષણ અને આરોગ્યમાં ભારતનો સુધારો, પરંતુ રાજકીય-આર્થિક ક્ષેત્રે મહિલાઓના પ્રતિનિધિત્વમાં મોટો પડકાર

જિનીવા, તા.૧૬: વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) દ્વારા વર્ષ ૨૦૨૬ માટેનો 'ગ્લોબલ જેન્ડર ગેપ ઈન્ડેક્સ' (Global Gender Gap Index 2026) જાહેર કરવામાં આવ્યો છે. આ વૈશ્વિક સૂચકાંકમાં વિશ્વના ૧૪૫ દેશોની યાદીમાં ભારતે પોતાનું ૧૩૧મું સ્થાન જાળવી રાખ્યું છે. એક તરફ આઈસલેન્ડ, ફિનલેન્ડ અને નોર્વે જેવા દેશોએ વિશ્વમાં લિંગ સમાનતામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ટોચના સ્થાનો મેળવ્યા છે, તો બીજી તરફ ૧.૫ અબજની વસ્તી ધરાવતા ભારતે ૬૪.૫% નો લિંગ સમાનતા સ્કોર નોંધાવ્યો છે, જે વૈશ્વિક સરેરાશ કરતાં નીચો છે.
સંપૂર્ણ સમાનતા હાંસલ કરવા હજુ સદીથી વધુ સમય લાગશે
WEFના અહેવાલ મુજબ, વર્ષ ૨૦૦૬થી વૈશ્વિક સ્તરે લિંગ સમાનતા (Gender Parity) તરફ પ્રગતિ થઈ છે અને જેન્ડર ગેપમાં ૬૯.૨% નો ઘટાડો નોંધાયો છે. જોકે, વર્તમાન પ્રગતિની ગતિને જોતાં સમગ્ર વિશ્વમાં સંપૂર્ણ લિંગ સમાનતા સ્થાપિત કરવામાં હજુ ૧૨૦ વર્ષ જેટલો લાંબો સમય લાગી શકે છે. આ યાદીમાં આઈસલેન્ડ ૯૩% સમાનતા સાથે સતત ટોચ પર રહ્યો છે અને ૯૦% થી વધુ જેન્ડર ગેપ પૂરનારો વિશ્વનો એકમાત્ર દેશ બન્યો છે. યાદીમાં ચાર્ડ (Chad) સૌથી નીચલા ક્રમે રહેલો દેશ છે.
શિક્ષણ અને આરોગ્યમાં ભારતનો સારો દેખાવ, પરંતુ આર્થિક તકોમાં પછાત
ભારતના પ્રદર્શનનું મૂલ્યાંકન કરીએ તો, 'શૈક્ષણિક સિદ્ધિ' (Educational Attainment) માં ભારતે ૯૬.૬% અને 'આરોગ્ય તથા અસ્તિત્વ' (Health and Survival) ક્ષેત્રે ૯૫.૬% નો મજબૂત સમાનતા સ્કોર નોંધાવ્યો છે. ૨૦૦૬થી વ્યાવસાયિક અને તકનીકી ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓનું પ્રમાણ ૨૬.૬% થી વધીને ૪૯.૯% પહોંચ્યું છે. પરંતુ, 'આર્થિક સહભાગિતા અને તક' સબ-ઇન્ડેક્સમાં ભારતનો સ્કોર માત્ર ૪૧.૨% રહ્યો છે. વરિષ્ઠ અધિકારીઓ અને મેનેજરો જેવા ઉચ્ચ હોદ્દાઓ પર મહિલાઓનું પ્રતિનિધિત્વ હજુ પણ ૧૩.૧% જેટલું નીચું છે.
રાજકીય સશક્તિકરણમાં ભારત ૬૭મા ક્રમે
ભારત માટે 'રાજકીય સશક્તિકરણ' (Political Empowerment) સૌથી શ્રેષ્ઠ ક્રમાંક ધરાવતો વિભાગ રહ્યો છે, જેમાં લિંગ-અંતર ૨૪.૫% ઘટીને ભારત વૈશ્વિક સ્તરે ૬૭મા ક્રમે પહોંચ્યું છે. ૨૦૦૬ના સમયગાળાની સરખામણીએ સંસદમાં મહિલા પ્રતિનિધિત્વમાં ૭ ટકા પોઈન્ટનો સુધારો થયો છે, પરંતુ મંત્રી સ્તરે મહિલાઓનું પ્રમાણ હજુ પણ ૫.૯% જેટલું સીમિત છે.
ઉચ્ચ નેતૃત્વ અને AI ક્ષેત્રે મહિલાઓની ઓછી ભાગીદારી
અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે વૈશ્વિક સ્તરે ઉચ્ચતમ વહીવટી હોદ્દાઓ (C-Suite) અને મહત્વના રાજકીય નિર્ણયકર્તા તરીકે મહિલાઓનું પ્રતિનિધિત્વ ચિંતાજનક રીતે ઓછું છે. વિશ્વભરમાં CEO તરીકે મહિલાઓનું પ્રમાણ માત્ર ૧૯.૧% છે, જ્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એન્જિનિયરોમાં પણ ૫ માંથી ૧ કરતાં ઓછી મહિલાઓ છે.
WEF ના મેનેજિંગ ડિરેક્ટર સાદિયા ઝાહિદીએ જણાવ્યું હતું કે, "વીસ વર્ષના આંકડા દર્શાવે છે કે સંસાધનોની અછત એ સમાનતા માટે અવરોધ નથી. વિકાસ અને સ્પર્ધાત્મકતા માટે લિંગ સમાનતા પાયાની જરૂરિયાત છે, અને સરકારોએ આ પ્રગતિને વેગ આપવા તાકીદે અસરકારક નીતિઓનો અમલ કરવો પડશે."
(5:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
