<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

TET પરીક્ષામાં મોટું કૌભાંડ: પેપર લીક કરનાર ગેંગનો ભિવંડીમાં પર્દાફાશ, ૧.૫ કરોડની ડીલ અગાઉ જ પોલીસના હાથમાં

દોઢ કરોડમાં પેપર વેચવાનું કાવતરું નિષ્ફળ, મહારાષ્ટ્ર સરકારે સુરક્ષાના કારણોસર પરીક્ષા સ્થગિત કરી, લાખો ઉમેદવારોની મહેનત પર પાણી

ભિવંડી : મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) ૨૦૨૬ના આયોજનના એક દિવસ પહેલા જ પેપર લીક થવાની ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. શનિવારે વહેલી સવારે ભિવંડી પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને બિહાર અને હરિયાણાના ત્રણ સાગરીતો રાજીવ શાહ, આકાશ કુમાર અને ધીરજ કુમારને ઝડપી લીધા છે. આ ટોળકી દિલ્હીથી પ્રશ્નપત્ર લાવીને ભિવંડીમાં ૧.૫ કરોડ રૂપિયામાં વેચવાની પેરવીમાં હતી, પરંતુ પોલીસની ત્વરિત કાર્યવાહીએ તેમના મનસૂબાઓ પર પાણી ફેરવી દીધું છે.

ભિવંડી ઝોન-૨ના ડીસીપી પવન બનસોડના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ, રોકડ અને પ્રશ્નપત્રના સેટ કબજે કર્યા છે. મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદના અધિકારીઓએ જપ્ત કરેલા દસ્તાવેજોની ખરાઈ કરતા તે અસલી પ્રશ્નપત્ર હોવાની પુષ્ટિ કરી છે. આ ઘટનાની ગંભીરતાને જોતા રાજ્યભરના ૧,૦૨૮ કેન્દ્રો પર લેવાનારી પરીક્ષા તાત્કાલિક અસરથી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી લાખો ઉમેદવારોમાં નિરાશા અને સરકાર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઠાણેના એડિશનલ પોલીસ કમિશનર અશોક દુધેના જણાવ્યા મુજબ, તપાસના તાર રાજ્ય બહાર પણ જોડાયેલા હોવાની શંકા છે. હાલ પોલીસ એ જાણવા મથી રહી છે કે આ પેપર કઈ કડીથી લીક થયું અને તેમાં કોઈ સ્થાનિક એજન્ટ કે શૈક્ષણિક સંસ્થાની સંડોવણી છે કે કેમ. આ કરોડો રૂપિયાની ડીલના મુખ્ય માસ્ટરમાઈન્ડ સુધી પહોંચવા માટે પોલીસ તમામ ડિજિટલ પુરાવા અને બેંક ટ્રાન્ઝેક્શનની ઊંડી તપાસ કરી રહી છે, જેથી આ આખા નેટવર્કનો પર્દાફાશ કરી શકાય.

પરીક્ષા સ્થગિત થવાથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિન્હ લાગ્યો છે. સરકારે હવે પરીક્ષાની નવી તારીખ જાહેર કરવા માટે સત્તાવાર વેબસાઈટ પર નજર રાખવા ઉમેદવારોને અનુરોધ કર્યો છે. શિક્ષણ ક્ષેત્રે આ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે ભવિષ્યમાં કડક સુરક્ષા વ્યવસ્થા અને ટેકનિકલ દેખરેખ વધારવા અંગે વહીવટી તંત્ર દ્વારા ગંભીર વિચારણા કરવામાં આવી રહી છે, જેથી આગામી સમયમાં પારદર્શક પરીક્ષા યોજી શકાય.

(11:16 AM IST)