<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

યુએસ ગ્રીન કાર્ડ મેળવવા માંગતા ભારતીયોને મોટો આંચકો: EB-૧ વિઝા ૩૦ સપ્ટેમ્બર પહેલા થઈ શકે છે અનુપલબ્ધ

વર્ષના અંત પહેલા જ ભારે માંગને કારણે ક્વોટા ખૂટવાની આશંકા: EB-૨ અને EB-૩ શ્રેણીઓમાં પણ બેકલોગ યથાવત

વાશિંગ્ટન : અમેરિકાના રોજગાર-આધારિત ઇમિગ્રેશન માળખામાં લાંબી કતારોમાં રાહ જોઈ રહેલા ભારતીય અરજદારો માટે યુએસ વિદેશ વિભાગ દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા સપ્ટેમ્બર વિઝા બુલેટિનમાં ચેતવણી આપવામાં આવી છે કે યુએસ નાણાકીય વર્ષ પૂરું થવામાં છે ત્યારે આગામી ૩૦ સપ્ટેમ્બર પહેલાં જ ભારે માંગ અને વાર્ષિક મર્યાદા પૂરી થઈ જવાના કારણે EB-૧ ગ્રીન કાર્ડ નંબરો અસ્થાયી રૂપે અનુપલબ્ધ જાહેર થઈ શકે છે.
આ ગંભીર સ્થિતિની વિગતો આપતા સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે અસાધારણ ક્ષમતા ધરાવતા વ્યાવસાયિકો, પ્રોફેસરો અને બહુરાષ્ટ્રીય મેનેજરો માટેની EB-૧ શ્રેણી ઉપરાંત EB-૨ શ્રેણી પહેલેથી જ "U" (અનુપલબ્ધ) તરીકે ચિહ્નિત થયેલ છે અને EB-૩ શ્રેણી માટે પણ ૧ જાન્યુઆરી, ૨૦૧૪ ની અત્યંત જૂની અંતિમ કાર્યવાહી તારીખ ચાલી રહી છે, જે વિશ્વભરના અન્ય દેશોની તુલનામાં ભારતીયો માટે વર્ષોના પ્રતીક્ષા સમયને દર્શાવે છે.
અમેરિકી ઇમિગ્રેશન કાયદાની જોગવાઈઓ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે વિશ્વભરમાં ૧,૮૬,૩૧૭ રોજગાર-આધારિત પસંદગી મર્યાદા અને દેશદીઠ ૭ ટકાની કેપ લાગુ હોવાને કારણે ભારતીય અરજદારોનો વિશાળ સમૂહ આ મર્યાદાઓમાં ફસાઈ ગયો છે, જેના પગલે અગાઉથી જ અંદાજે ૧૦ લાખ જેટલા ભારતીયો યુએસ ગ્રીન કાર્ડની કતારમાં દાયકાઓની રાહ જોઈ રહ્યા છે અને આ તાજી સ્થગિતતાથી અરજદારોના સ્વપ્નો પર વધુ એક અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે.
ભૂતકાળમાં પણ વાર્ષિક ક્વોટા પૂર્ણ થવાને કારણે વિઝા બુલેટિનમાં આ પ્રકારના અસ્થાયી રોક લગાવવામાં આવતા રહ્યા છે, ત્યારે આગામી સમયમાં યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) દ્વારા લેવાનાર સત્તાવાર નિર્ણયો અને ફાઇલિંગ પ્રક્રિયાના ચાર્ટ પર જ હજારો ભારતીયોનું ભવિષ્ય નિર્ભર રહેશે.

(1:00 PM IST)