તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
બંગાળમાં મમતા બેનર્જીને જોરદાર આંચકો: "ટીએમસીના ત્રણ પૂર્વ દિગ્ગજ સાંસદોએ કેસરીયો ધારણ કર્યો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ તૃણમૂલમાં ભયંકર ભડકો: સુખેન્દુ શેખર રોય, સુષ્મિતા દેબ અને પ્રકાશ ચિક બરૈક સત્તાવાર રીતે ભાજપમાં સામેલ

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણમાં ૨૦૨૬ ની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ શરૂ થયેલું રાજકીય ઘમસાણ હવે ચરમસીમાએ પહોંચી ગયું છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ભયંકર ભંગાણના સંકેતો વચ્ચે, પાર્ટીના ત્રણ પૂર્વ કદાવર રાજ્યસભા સાંસદો સુખેન્દુ શેખર રોય, સુષ્મિતા દેબ અને પ્રકાશ ચિક બરૈક વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી માં જોડાઈ ગયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સમિક ભટ્ટાચાર્યની હાજરીમાં યોજાયેલા આ હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમે બંગાળથી લઈને દિલ્હી સુધીના રાજકીય ગલિયારાઓમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે, જેના કારણે મમતા બેનર્જીના ૧૫ વર્ષ જૂના કિલ્લાના કાંગરા ખરી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
આ ત્રણેય દિગ્ગજ નેતાઓએ તાજેતરમાં જ વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીની કારમી હાર બાદ પક્ષના ટોચના નેતૃત્વ સામે ગંભીર સવાલો ઉઠાવીને રાજ્યસભા અને પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. આ આકસ્મિક રાજીનામાના કારણે ખાલી પડેલી પશ્ચિમ બંગાળની ૩ રાજ્યસભા બેઠકો માટે આગામી ૨૪ જુલાઈએ પેટાચૂંટણી યોજાવાની જાહેરાત પણ થઈ ચૂકી છે. નવા બદલાયેલા રાજકીય સમીકરણો અને વિધાનસભામાં પ્રચંડ બહુમતીના જોરે હવે ભાજપ આ ત્રણેય બેઠકો પર આસાનીથી વિજય મેળવીને રાજ્યસભામાં પોતાની તાકાત વધારવા માટે સંપૂર્ણ સજ્જ દેખાઈ રહ્યું છે, જ્યારે આંતરિક વિખવાદથી ઘેરાયેલી ટીએમસી માટે અસ્તિત્વ બચાવવાનો મોટો પડકાર છે.
સાંસદોને આવકારતા ભાજપના પ્રદેશ પ્રમુખ સમિક ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, "બંગાળના વિકાસના સંકલ્પ સાથે આ નેતાઓ ભાજપના 'ડર અને વિશ્વાસ' ના નારાને મજબૂત કરવા આગળ આવ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાથે મળીને કામ કરશે." બીજી તરફ, પક્ષ પલટાના આ ભયંકર તોફાન વચ્ચે ટીએમસીના લોકસભા સાંસદો યુસુફ પઠાણ અને શતાબ્દી રોય પક્ષના વડામથક 'નબન્ના' ખાતે હાજર રહેતા અનેક તર્કવિતર્કો શરૂ થયા છે. માત્ર ૬૫ દિવસની અંદર જ મમતા બેનર્જીની રાજકીય સલ્તનતમાં જે રીતે ધબડકો થયો છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં પૂર્વ ભારતના આ રાજ્યમાં સત્તા અને સંગઠનનું સંતુલન સંપૂર્ણપણે બદલાઈ જશે.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
