તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
બંગાળની જીતની પાછળ આરએસએસનું મોટું સાયલન્ટ ઓપરેશન : ૨૦૨૧ પછીના ૫ વર્ષમાં ૮૦૦ માંથી ૪૦૦૦ શાખાઓ સુધી સંઘ છવાઈ ગયું: આગામી વર્ષોમાં ૮૦૦૦ શાખાઓનું લક્ષ્યાંક
૪૫૦૦થી વધુ શાખાઓ અને જમીની રણનીતિથી મમતાના પક્ષની ઊંઘ હરામ કરી દીધી: ૨૦૨૧થી માસ્ટર પ્લાન અમલી: એક બૂથ દસ યુથ: મહિલા સુરક્ષા, ભ્રષ્ટાચાર અને ઘૂસણખોરી જેવા ગંભીર મુદ્દાઓ પર ૧.૭૫ લાખ નાની બેઠકો અને સાયલન્ટ ઓપરેશનથી સંઘનું પ્રચંડ વર્ચસ્વ છવાયું

કોલકત્તા: પશ્ચિમ બંગાળની વર્તમાન રાજકીય સ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) એ પોતાની પૂરી તાકાત મેદાનમાં ઉતારી દીધી હતી. વર્ષ ૨૦૧૧માં માત્ર ૮૦૦ શાખાઓ ધરાવતા સંઘે ૨૦૨૬ની ચૂંટણી પહેલા પોતાની ૪૫૦૦થી વધુ શાખાઓ શરૂ કરીને રાજ્યમાં મજબૂત પકડ જમાવી છે. મહિલા સુરક્ષા, ભ્રષ્ટાચાર અને ઘૂસણખોરી જેવા ગંભીર મુદ્દાઓ પર આશરે ૧.૭૫ લાખ (એક લાખ પંચોતેર હજાર) જેટલી નાની બેઠકો યોજીને 'લોકમત પરિષ્કાર' નામનું સાયલન્ટ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે, જેણે બંગાળના રાજકારણમાં મોટા પરિવર્તનના સંકેત આપ્યા છે અને સત્તાધારી પક્ષ માટે મોટો પડકાર ઊભો કર્યો.
એક વાયરલ થયેલા વીડિયોમાં આપેલા વિસ્તૃત અહેવાલ મુજબ, બંગાળમાં આ વખતે માત્ર ભાજપ નહીં, પરંતુ આરએસએસ વાસ્તવિક જીત તરફ આગળ વધી ગયું છે. સંઘની આ ગુપ્ત રણનીતિએ મમતા બેનરજીના હોશ ઉડાવી દીધા છે. બંગાળ ચૂંટણીને સંઘે પ્રતિષ્ઠાનો સવાલ બનાવીને પોતાની આખી ફોજ મેદાનમાં ઉતારી દીધી હતી. મધ્ય બંગાળ અને ગ્રામીણ વિસ્તારોમાં શાખાઓનો વિસ્તાર ખૂબ ઝડપી રહ્યો છે. દરેક શાખામાં સ્વયંસેવકો દરરોજ મળે છે અને માતૃભૂમિ તથા દેશભક્તિની વાતો કરે છે. બિન-રાજકીય સંગઠન હોવા છતાં સંઘે જમીની સ્તરે વ્યાપક કામગીરી કરી છે. આગામી સમયમાં શાખાઓનો આ આંકડો ૮૦૦૦ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૨૧ની ચૂંટણી બાદ બંગાળ માટે એક લાંબા ગાળાનો માસ્ટર પ્લાન ઘડવામાં આવ્યો હતો. ભાજપ સાથે સંકલન બેઠકો યોજાઈ, જેમાં નક્કી થયું કે રાજકીય પક્ષ ચૂંટણી લડશે જ્યારે સંઘ સામાજિક જાગૃતિનું કામ કરશે. 'લોકમત પરિષ્કાર' નામ હેઠળ લાખો ઘરોમાં ડોર-ટુ-ડોર સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું. સ્વયંસેવકોએ શાંતિપૂર્વક લોકોના ઘરે પહોંચીને જાગરૂકતા ફેલાવી, જેને કોઈ પણ જાતના ઘોંઘાટ વગરનું અત્યંત અસરકારક સાયલન્ટ ઓપરેશન કહી શકાય.
આ રણનીતિનું સૌથી મોટું અને મજબૂત પાસું બૂથ મેનેજમેન્ટ છે. આરએસએસ દ્વારા 'એક બૂથ, ૧૦ યુથ' નો ફોર્મ્યુલા લાગુ કરવામાં આવ્યો છે. દરેક બૂથ પર ૧૦ યુવા સ્વયંસેવકોને તૈનાત કરવામાં આવ્યા છે જેઓ મતદાર યાદી ચકાસવાનું અને દરેક પન્ના સુધી પહોંચવાનું કામ કરી રહ્યા છે. પૂર, વાવાઝોડા કે અન્ય આપત્તિઓ સમયે સ્વયંસેવકો લોકોની વહારે આવ્યા છે, જેનાથી જનતાનો મોટો વિશ્વાસ સંપાદન થયો છે. યુવાનોને કૌશલ્ય તાલીમ અને મહિલાઓને રોજગારી માટે પ્રેરિત કરવામાં આવ્યા છે.
સંઘે સમગ્ર બંગાળને શહેરી, ગ્રામીણ અને સીમાંત (બોર્ડર) એમ ત્રણ ભાગમાં વહેંચીને દરેક વિસ્તારની જરૂરિયાત મુજબ અલગ અલગ રણનીતિ અપનાવી છે. આરએસએસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ માત્ર હિન્દુત્વ જાગરણનું કામ નથી, પરંતુ લોકશાહીની રક્ષાનો મોટો પ્રયાસ છે. જમીની સ્તર પર ચાલી રહેલા આ અવાજ વગરના મોટા બદલાવને કારણે સત્તાધારી પક્ષનો પાયો હચમચી ગયો છે અને ભવિષ્યની ચૂંટણીઓમાં આ સંગઠનાત્મક કાર્ય ઐતિહાસિક પરિણામો લાવી શકે છે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
