તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ બાદ મોટી સફળતા: ભારતના મોસ્ટ વોન્ટેડ ડ્રગ માફિયા સલીમ ડોલાની ઈસ્તંબુલમાં ધરપકડ, દાઉદ સાથેના 'ડી-કનેક્શન'નો ખુલાસો
વાર્ષિક ₹5,000 કરોડનું ડ્રગ સામ્રાજ્ય ચલાવતો માસ્ટરમાઇન્ડ ઝબ્બે; તુર્કીથી UAE મારફતે ભારત લાવવાની પ્રક્રિયા તેજ, અંડરવર્લ્ડના અનેક રહસ્યો ખુલવાની શક્યતા

ઈસ્તંબુલ : આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશમાં ભારતીય સુરક્ષા એજન્સીઓને એક મોટી જીત મળી છે. ભારતના કુખ્યાત ડ્રગ લોર્ડ સલીમ ડોલાની તુર્કીના ઈસ્તંબુલ શહેરમાં ધરપકડ કરવામાં આવી છે. લાંબા સમયથી ફરાર સલીમ ડોલા વૈશ્વિક સિન્થેટિક ડ્રગ નેટવર્કનો અતિ શક્તિશાળી ખેલાડી માનવામાં આવતો હતો. ભારતીય તપાસ એજન્સીઓએ આ ધરપકડની પુષ્ટિ કરી છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ સિન્ડિકેટની કમર તોડવા સમાન છે.
તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે સલીમ ડોલા માત્ર ડ્રગ્સનો વેપારી જ નથી, પણ તેના સંબંધો મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેની કુખ્યાત 'ડી-કંપની' સાથે પણ ગાઢ છે. અહેવાલો મુજબ, ડોલાનું નેટવર્ક વાર્ષિક ₹5,000 કરોડથી વધુનો ગેરકાયદેસર કારોબાર કરતું હતું. મુંબઈથી ગુનાખોરીની દુનિયામાં પગ મૂકનાર સલીમ બાદમાં દુબઈ સ્થાયી થયો હતો અને ત્યાંથી જ આખું આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટ ઓપરેટ કરતો હતો.
શકંજામાં કઈ રીતે આવ્યો ડોલા?
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ડોલા પર મોટી રકમનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું અને તેની સામે ઈન્ટરપોલ દ્વારા 'રેડ કોર્નર નોટિસ' પણ જારી કરાઈ હતી. ભારતમાં તેની માલિકીની ઘણી ડ્રગ લેબ્સ અને ફેક્ટરીઓ એજન્સીઓ દ્વારા અગાઉ જ સીલ કરવામાં આવી છે. હવે તુર્કીમાં તેની અટકાયત બાદ, ભારત સરકાર તેને પાછો લાવવા માટે એક્શનમાં આવી છે. તુર્કી સાથે સીધું પ્રત્યાર્પણ જટિલ હોવાથી તેને સંયુક્ત આરબ અમીરાત (UAE) મારફતે ભારત લાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
સલીમ ડોલાની આ ધરપકડથી અંડરવર્લ્ડના હવાલા નેટવર્ક અને આંતરરાષ્ટ્રીય ડ્રગ સપ્લાય ચેઈન વિશેના અનેક કાળા ચિઠ્ઠા ખૂલે તેવી પ્રબળ શક્યતા છે. એજન્સીઓને આશા છે કે તેના રિમાન્ડ દરમિયાન દાઉદ ઈબ્રાહિમના છુપાયેલા ઠેકાણાઓ અને ભારત વિરુદ્ધ થઈ રહેલા ષડયંત્રો અંગે પણ મહત્વની કડીઓ હાથ લાગશે.
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
