તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
મેક ઈન ઈન્ડિયાની મોટી સફળતા: લાર્જ સ્કેલ ઈલેક્ટ્રોનિક્સ PLI સ્કીમ હેઠળ કંપનીઓને મળ્યા ₹૧૯,૦૯૧ કરોડના પ્રોત્સાહનો, મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં ભારતે રચ્યો ઈતિહાસ!
રૂ. ૨૦,૫૮૦ કરોડના વિદેશી રોકાણ સાથે ભારત બન્યો વિશ્વનો બીજો સૌથી મોટો સ્માર્ટફોન ઉત્પાદક દેશ: વર્ષ ૨૦૨૫-૨૬માં સ્માર્ટફોન નિકાસ ૩૦ અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી.

નવી દિલ્હી : કેન્દ્ર સરકારની ‘પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ’ (PLI) સ્કીમે દેશમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) ના તાજેતરના આંકડા મુજબ, ગત જૂન મહિના સુધીમાં 'લાર્જ સ્કેલ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ' (LSEM) ક્ષેત્ર હેઠળ લાભાર્થી કંપનીઓને સૌથી વધુ રૂ. ૧૯,૦૯૦.૯૮ કરોડનું નાણાકીય પ્રોત્સાહન (ઈન્સેન્ટિવ) ચૂકવવામાં આવ્યું છે. આ યોજના થકી દેશમાં રૂ. ૨૦,૫૮૦.૨૦ કરોડથી વધુનું જંગી રોકાણ આકર્ષવામાં સફળતા મળી છે.
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્તરે ઉત્પાદન ક્ષમતા વધારવા, વિદેશી આયાત પર નિર્ભરતા ઘટાડવા અને રોજગારીની નવી તકો ઉભી કરવા માટે સરકારે ૨૦૨૦માં રૂ. ૧.૯૧ લાખ કરોડના કુલ બજેટ સાથે ૧૪ મુખ્ય ક્ષેત્રો માટે પીએલઆઈ સ્કીમ લોન્ચ કરી હતી. આ યોજના અંતર્ગત ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ૩૨ જેટલી દિગ્ગજ કંપનીઓને મંજૂરી આપવામાં આવી હતી. તેના પરિણામે ભારત આજે વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક દેશ બની ગયો છે અને સ્માર્ટફોન હવે ભારતમાંથી વિદેશમાં નિકાસ થતી મુખ્ય વસ્તુઓમાં સ્થાન પામ્યો છે.
સરકારે આ સફળ સ્કીમની સમયમર્યાદા લંબાવીને વર્ષ ૨૦૨૫-૨૬ સુધી કરી છે. આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતમાંથી માત્ર ૫.૫ અબજ ડોલરના સ્માર્ટફોનની નિકાસ થતી હતી, જે વર્ષ ૨૦૨૫-૨૬માં વધીને આશરે ૩૦ અબજ ડોલરની અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે. સ્કીમની શરૂઆતથી અત્યાર સુધીમાં સરકારે તમામ ક્ષેત્રોમાં મળીને કુલ રૂ. ૩૬,૭૫૪ કરોડના ઈન્સેન્ટિવ વહેંચ્યા છે, જેમાં ઈલેક્ટ્રોનિક્સ ઉપરાંત ફાર્માસ્યુટિકલ સેક્ટરને રૂ. ૬,૬૬૨ કરોડ, ફૂડ પ્રોસેસિંગને રૂ. ૩,૨૭૧ કરોડ અને ઓટો કમ્પોનન્ટ ક્ષેત્રને રૂ. ૩,૧૭૪ કરોડ ચૂકવવામાં આવ્યા છે.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
