<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા:બંગાળના હાવડા ફાયરિંગ અને બ્લાસ્ટના વોન્ટેડ ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી લેવાયા

બંગાળના શિબપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનેક ગંભીર ગુનાઓ બાદ આ આરોપીઓ પોતાની ઓળખ છુપાવીને મુંબઈમાં આશરો લઈ રહ્યા હતા : દેવનારની એકતા એસઆરએ બિલ્ડિંગમાં છુપાયેલા આ ત્રણેય શખ્સોને પોલીસે ઝડપી લીધા

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની યુનિટ-6 દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં તાજેતરમાં બનેલી ફાયરિંગ અને બ્લાસ્ટની ગંભીર ઘટનાઓમાં વોન્ટેડ ત્રણ મુખ્ય આરોપીઓને મુંબઈના દેવનાર વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 7 મે 2026ના રોજ પશ્ચિમ બંગાળના શિબપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનેક ગંભીર ગુનાઓ બાદ આ આરોપીઓ પોતાની ઓળખ છુપાવીને મુંબઈમાં આશરો લઈ રહ્યા હતા. ગુપ્ત બાતમીદારો પાસેથી મળેલી સચોટ માહિતીના આધારે, ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને દેવનારની એકતા એસઆરએ બિલ્ડિંગમાં છુપાયેલા આ ત્રણેય શખ્સોને આબાદ ઝડપી લીધા હતા.

પકડાયેલા આરોપીઓની ઓળખ શમીમ અહેમદ અબ્દુલ રશીદ, જમીલ અખ્તર અલી અને આફતાબ અનવર ખુર્શીદ અનવર તરીકે થઈ છે, જેઓ મૂળ હાવડાના રહેવાસી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ શિબપુર વિસ્તારમાં બનેલી ફાયરિંગ અને બ્લાસ્ટની ઘટનાઓમાં મુખ્ય સૂત્રધાર તરીકે સામેલ હતા અને તેમની વિરુદ્ધ ત્યાં અનેક ગંભીર કેસો નોંધાયેલા છે. મુંબઈમાં છુપાઈને તેઓ કાયદાની પકડમાંથી બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ક્રાઈમ બ્રાન્ચની સક્રિયતાએ તેમના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.

 

હાલમાં પશ્ચિમ બંગાળ પોલીસની એક ટીમ મુંબઈ પહોંચી ગઈ છે અને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને આ ત્રણેય આરોપીઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર હાવડા લઈ જવાની પ્રક્રિયા ચાલી રહી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ હવે આ આખા નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરીતોની પણ સઘન તપાસ કરી રહી છે, જેથી આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. 

 

(11:07 PM IST)