<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

ભારતમાં નેપાળ જેવી હોનારત અટકાવવા મોટો ટેક-ધડાકો: હિમાલયી વિસ્તારોને કુદરતી આપત્તિઓથી બચાવવા દેશી સોફ્ટવેર 'GeoSARAL' લોન્ચ!

Esri India એ વિકસાવ્યું પહેલું સ્વદેશી GIS સોફ્ટવેર. ભૂસ્ખલન અને પૂર જેવી કટોકટીમાં સમયસર આપશે આગોતરી ચેતવણી, એન્ડ્રોઈડ વર્ઝન પણ ટૂંક સમયમાં થશે ઉપલબ્ધ.

નવી દિલ્હી : તાજેતરમાં નેપાળમાં સર્જાયેલી ભૂસ્ખલન અને પૂરની વિનાશક આપત્તિ બાદ ભારતના હિમાલયી પ્રદેશોમાં પણ આવી જ ઘટનાઓનું જોખમ વધી ગયું હોવાની ચેતવણી નિષ્ણાતોએ આપી હતી. આ ખતરાને ધ્યાનમાં રાખીને ભારતને ટેકનોલોજીની દ્રષ્ટિએ આત્મનિર્ભર બનાવતા અને આપત્તિ નિવારણ ક્ષેત્રે ક્રાંતિ લાવતા સ્વદેશી સોફ્ટવેર 'GeoSARAL' નું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

 

સમયસર એલર્ટ અને સચોટ રાહત કામગીરી

જીઓસ્પેશિયલ અને મેપિંગ સોલ્યુશન્સ ક્ષેત્રે દેશની અગ્રણી કંપની 'Esri India' દ્વારા વિકસાવવામાં આવેલું આ જીઓગ્રાફિક ઈન્ફોર્મેશન સિસ્ટમ (GIS) સોફ્ટવેર હિમાલયના સંવેદનશીલ પહાડી વિસ્તારોમાં કુદરતી હોનારતો પર સતત નજર રાખશે. આ સોફ્ટવેરની મદદથી ભૂસ્ખલન કે વાદળ ફાટવા જેવી આપત્તિઓ અંગે સમયસર આગોતરી ચેતવણી (Early Warning) મળી શકશે, જેથી સ્થાનિક તંત્રને લોકોના સ્થળાંતર અને વધુ અસરકારક રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં મોટી મદદ મળશે.

 

લાઈનક્સ આધારિત સિસ્ટમ, ટૂંક સમયમાં મોબાઈલમાં પણ ચાલશે

કંપનીએ ગુરુવારે આ લાઈનક્સ (Linux) આધારિત ડેસ્કટોપ GIS સોફ્ટવેરને લોન્ચ કર્યું છે, જે ભારતમાં આ પ્રકારનો પ્રથમ પ્રયાસ છે. Esri India ના મેનેજિંગ ડિરેક્ટર અજેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, "અમારું લક્ષ્ય દેશની જરૂરિયાતો મુજબ નવીન ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવાનું છે. GeoSARAL નું લોન્ચિંગ ભારતને ટેકનિકલ રીતે 'આત્મનિર્ભર' બનાવવાની દિશામાં માઇલસ્ટોન સાબિત થશે." આ સોફ્ટવેર ટૂંક સમયમાં જ એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર્સ માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

(8:27 PM IST)