<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

બંગાળના ‘મહા-એક્ઝિટ પોલ’માં મોટો ટ્વિસ્ટ: એક્સિસ માય ઇન્ડિયાએ ડેટા જાહેર કરવાની ના પાડી, કહ્યું- “બંગાળી મતદારો મોઢું નથી ખોલી રહ્યા, ડરનો માહોલ છે”

60% થી 70% લોકોએ કોને વોટ આપ્યો તે કહેવાનો ઇનકાર કર્યો; લોકશાહીના ઈતિહાસમાં સૌથી વધુ 92.47% મતદાન છતાં એજન્સીઓ મુંઝવણમાં, શું મમતા દીદીની સત્તા ટકશે?

કોલકાતા, તા.30: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. સામાન્ય રીતે જેમના એક્ઝિટ પોલ સૌથી સચોટ મનાય છે તે ‘એક્સિસ માય ઇન્ડિયા’ (Axis My India) એ એક આશ્ચર્યજનક જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. એજન્સીના મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપ ગુપ્તાએ સ્પષ્ટ કર્યું છે કે તેમની કંપની પશ્ચિમ બંગાળ માટે એક્ઝિટ પોલના આંકડા જાહેર કરશે નહીં, કારણ કે તેમને પૂરતા પ્રમાણમાં ‘સેમ્પલ’ મળ્યા નથી.
“લોકોની જીભ પર તાળાં, ભયનું વાતાવરણ”
એજન્સીના વડા પ્રદીપ ગુપ્તાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે જ્યારે તેમની ટીમ મતદારો પાસે ગઈ, ત્યારે લગભગ 60 થી 70 ટકા લોકોએ કોને વોટ આપ્યો છે તે કહેવાનો ધરાર ઇનકાર કર્યો હતો. તેમણે આ પરિસ્થિતિને ‘ડરના માહોલ’ સાથે જોડી હતી. ગુપ્તાએ કહ્યું કે, “લોકો હા કે ના કહેવા પણ તૈયાર નથી. આવા ટૂંકા સેમ્પલ સાઈઝ પર કોઈ ચોક્કસ અનુમાન લગાવવું એ જોખમી છે અને નૈતિક રીતે પણ ખોટું છે.”
રેકોર્ડબ્રેક 92.47% મતદાન: 2011 નો રેકોર્ડ તૂટ્યો
આ વખતની બંગાળ ચૂંટણીમાં મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે. બે તબક્કામાં થયેલા મતદાનમાં કુલ 92.47% વોટિંગ નોંધાયું છે, જે આઝાદી પછીનું અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન છે. આ આંકડાએ 2011નો 84% મતદાનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. જ્યારે જ્યારે આટલું મોટું મતદાન થાય છે, ત્યારે તે પરિવર્તનનો સંકેત છે કે સત્તાધારી પક્ષની તરફેણની લહેર, તે બાબતે રાજકીય પંડિતોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
મમતા બેનર્જીની સાખનો સવાલ
આ ચૂંટણી મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે અસ્તિત્વની લડાઈ સમાન છે. સતત ત્રણ ટર્મથી સત્તામાં રહેલા દીદી સામે આ વખતે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. બુધવારે જાહેર થયેલા અન્ય કેટલાક એજન્સીઓના એક્ઝિટ પોલ્સમાં ભાજપની જીતનું અનુમાન છે, તો કેટલાક TMC ની વાપસી બતાવી રહ્યા છે. એવામાં સૌથી વિશ્વાસપાત્ર ગણાતી એજન્સીએ હાથ ઊંચા કરી દેતા હવે 2 મેના રોજ આવનારા સત્તાવાર પરિણામો પર આખા દેશની મીટ મંડાયેલી છે.

(5:16 PM IST)