તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 16th November 2026
લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં મોટો વળાંકઃ સુપ્રીમ કોર્ટે NIAની અરજી મંજૂર કરીઃ ‘ડોક્ટર મોડયુલ'ના તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર
જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં નોંધાયેલી બે FIR હવે દિલ્હીની NIA કોર્ટમાં એકસાથે ચાલશેઃ ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રા અને ચંદ્રશેખરની બેન્ચે આપ્યો મહત્વપૂર્ણ આદેશ

નવી દિલ્હી, તા.૧૬: વર્ષ ૨૦૨૫માં રાજધાની દિલ્હીને હચમચાવી દેનાર લાલ કિલ્લા વિસ્ફોટ કેસની તપાસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી કાનૂની જીત મળી છે. ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રા અને ન્યાયાધીશ ચંદ્રશેખરની ખંડપીઠે NIAની અરજીને મંજૂર રાખીને જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં નોંધાયેલા બે અલગ-અલગ કેસોને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ સ્થિત ખાસ NIA કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ત્રણેય FIRને એકસાથે જોડીને સંયુક્ત ટ્રાયલ ચલાવવાની પણ લીલી ઝંડી આપી દીધી છે. NIAએ કોર્ટમાં દલીલ કરી હતી કે અલગ-અલગ રાજ્યોમાં સુનાવણી ચાલવાથી તપાસ અને કાર્યવાહીની ગતિ અવરોધાય તેમ હતી, કારણ કે આ ત્રણેય કેસના તાર એક જ મોટા ષડયંત્ર સાથે જોડાયેલા છે.
આ સમગ્ર મામલો ૧૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર ૩ પાસે થયેલા ભયાનક કાર વિસ્ફોટ સાથે જોડાયેલો છે, જેમાં એક હ્યુન્ડાઇ કારમાં થયેલા શક્તિશાળી ધડાકામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા. તપાસ દરમિયાન એવો ચોંકાવનારો ખુલાસો થયો હતો કે વિસ્ફોટ કરનાર કારનો ડ્રાઇવર અલ-ફલાહ યુનિવર્સિટીનો ડો. ઉમર નબી હતો. ત્યારબાદ આ કેસની તપાસ NIAને સોંપવામાં આવી હતી, જેમાં ઉચ્ચ શિક્ષિત વ્યાવસાયિકો દ્વારા ચલાવવામાં આવતા વ્હાઇટ-કોલર ટેરર નેટવર્ક એટલે કે ડોક્ટર મોડ્યુલની સંડોવણી સામે આવી હતી.
આ ષડયંત્રના મૂળ સુધી પહોંચવા માટે જમ્મુ-કાશ્મીર પોલીસની રાજ્ય તપાસ એજન્સી એ અગાઉ ચાર ડોકટરો સહિત કુલ ૧૦ આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે હરિયાણામાંથી પણ કેટલાક શંકાસ્પદોને ઝડપી પાડવામાં આવ્યા હતા. વિસ્ફોટની ઘટનાને એક વર્ષ વીતી ગયું હોવા છતાં પીડિતો અને સ્થાનિક વેપારીઓના ઘા હજુ તાજા છે, ત્યારે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી હવે આ સમગ્ર આતંકી નેટવર્ક વિરુદ્ધ એક જ છત નીચે ઝડપી અને અસરકારક કાનૂની કાર્યવાહી થઈ શકશે, જેનાથી પીડિતોને વહેલો ન્યાય મળવાની આશા જાગી છે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
