News of Thursday, 26th November 2026
ટાઈગર શ્રોફ ગોળીબાર કેસમાં મોટો વળાંક: પકડાયેલો શૂટર 17 વર્ષનો સગીર હોવાની ખાતરી, જેલને બદલે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવા કોર્ટનો આદેશ
હરિયાણામાં શાળાના દસ્તાવેજોની ખરાઈ બાદ જન્મતારીખ 30 નવેમ્બર, 2008 સાબિત થઈ; 18 ઓક્ટોબરે જુહુમાં ટાઈગર શ્રોફની કાર પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું, લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યએ લીધી હતી જવાબદારી

મુંબઈ : અભિનેતા ટાઈગર શ્રોફ પર જુહુ વિસ્તારમાં થયેલા ગોળીબારના કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. આ કેસમાં ઝડપાયેલા એક આરોપીની ઉંમર 17 વર્ષની હોવાની દસ્તાવેજી ખાતરી થયા બાદ વિશેષ અદાલતે તેને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ (JJB) સમક્ષ હાજર કરવાનો આદેશ આપ્યો છે. સગીર હોવાનું સ્પષ્ટ થતાં હવે આ આરોપીને જેલને બદલે સુધારગૃહમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પોલીસ તપાસ મુજબ, આ સગીર આરોપી ટાઈગર શ્રોફની કાર પર ગોળીબાર કરનારા શૂટરોમાંનો એક હતો. અગાઉ આરોપીના પિતાએ કોર્ટમાં અરજી કરીને પોતાનો દીકરો સગીર હોવાથી તેને નિયમિત કોર્ટમાં રજૂ ન કરવાની રજૂઆત કરી હતી. કોર્ટના આદેશ બાદ મુંબઈ પોલીસની એક ટીમ આરોપીની શાળાના રેકોર્ડની ચકાસણી કરવા હરિયાણા રવાના થઈ હતી.
બુધવારે ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ અને બર્થ સર્ટિફિકેટમાં આરોપીની જન્મતારીખ 30 નવેમ્બર, 2008 નોંધાયેલી હોવાનું સામે આવ્યું હતું. હુમલાની ઘટના સમયે આરોપીની ઉંમર 17 વર્ષ, 10 મહિના અને 18 દિવસની હોવાથી તે કાયદાકીય રીતે સગીર ઠર્યો હતો, જેના આધારે કોર્ટે તેને JJB સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે 18 ઓક્ટોબરની રાતે ટાઈગર શ્રોફ જુહુના ફૂટબોલ મેદાનમાંથી નીકળીને પોતાની કાર તરફ જઈ રહ્યો હતો, ત્યારે બે શૂટરોએ પિસ્તોલમાંથી પાંચ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો અને ફરાર થઈ ગયા હતા. આ ફાયરિંગની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક સભ્યએ લીધી હતી, જ્યારે પોલીસે જેલમાં બંધ બિશ્નોઈના સાગરીત અનિલ પંડિતને આ કેસમાં ફરાર આરોપી તરીકે દર્શાવ્યો છે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
