તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
મહારાષ્ટ્રના રાજકારણમાં 'રામ નામે' મોટો ખળભળાટ: શિંદેએ સેના તોડી તો ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સામે છેડ્યું "રામ રક્ષા" આંદોલન!
અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીના મુદ્દે ઉદ્ધવ મુંબઈમાં હનુમાન ચાલીસાના પાઠ કરી ભાજપને ઘેરશે; વાજપેયીના નિવેદનને ટાંકીને કહ્યું – "હવે હિન્દુઓ માફ નહીં કરે"

મુંબઈ, તા.૦૩: મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવો અને અત્યંત હાઈ-વોલ્ટેજ ડ્રામા શરૂ થવા જઈ રહ્યો છે. એક તરફ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ભાજપની જોડીએ ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) ને ઉપરાઉપરી આંચકા આપીને તેમના છ સાંસદો અને આદિત્ય ઠાકરેના પરમ સગા ગણાતા વિધાન પરિષદના સભ્ય (MLC) સચિન આહિરને પોતાની તરફ ખેંચી લીધા છે, તો બીજી તરફ પોતાની રાજકીય અસ્તિત્વની લડાઈ લડી રહેલા ઉદ્ધવ ઠાકરેએ પણ ભાજપને તેના જ હોમ ગ્રાઉન્ડ પર પછાડવા માટે એક મોટો અને માસ્ટર સ્ટ્રોક પ્લાન તૈયાર કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી છે કે તેઓ આગામી ૫ જુલાઈથી સમગ્ર મહારાષ્ટ્રમાં "રામ રક્ષા" આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે.
આ આંદોલનનો મુખ્ય હેતુ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવેલા પવિત્ર દાનની કથિત ચોરી અંગે કેન્દ્ર અને રાજ્યમાં બેઠેલી ભાજપ સરકાર પાસેથી હિસાબ માંગવાનો છે. ઉદ્ધવે મહારાષ્ટ્રની જનતા અને તમામ રામભક્તોને આ આંદોલનમાં જોડાવા અને ભાજપને સવાલ પૂછવા માટે હાકલ કરી છે કે હિન્દુત્વના નામે થઈ રહેલી આ કથિત લૂંટ પાછળ અસલી ગુનેગાર કોણ છે?
મુંબઈના દાદરમાં હનુમાન ચાલીસાના પાઠ સાથે થશે શંખનાદ
પોતાની રણનીતિ સ્પષ્ટ કરતા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, આગામી રવિવારે (૫ જુલાઈ) ના રોજ હજારો સૈનિકો અને સામાન્ય લોકો મધ્ય મુંબઈના ઐતિહાસિક દાદર વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરમાં એકઠા થશે. ત્યાં સામૂહિક રીતે 'હનુમાન સ્તોત્ર' અને 'હનુમાન ચાલીસા' ના પાઠ કરવામાં આવશે અને પ્રભુ શ્રી રામના નામે થયેલી કથિત "ચોરી" માટે ભાજપ પર જવાબદારી સ્વીકારવાનું દબાણ લાવવામાં આવશે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, અવિભાજિત શિવસેનાના અસંખ્ય કારસેવકોએ રામ મંદિર આંદોલનમાં પોતાના લોહી-પરસેવો વહાવ્યા છે, ગોધરા કાંડથી લઈને મુંબઈ બોમ્બ બ્લાસ્ટના દુઃખો સહન કર્યા છે, પરંતુ ભાજપ આ બલિદાનોનો માત્ર રાજકીય લાભ ખાટીને "અનિયંત્રિત સત્તા" ના નશામાં ચૂર થઈ ગયું છે.
"શું આ પૈસાથી ધારાસભ્યોનો હોર્સ ટ્રેડિંગ થાય છે?" – ઉદ્ધવનો સીધો પ્રહાર
ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શાસક પક્ષ પર વિપક્ષી ધારાસભ્યોને ખરીદવાનો (હોર્સ ટ્રેડિંગ) ગંભીર આરોપ લગાવતા પૂછ્યું કે, "શું ભાજપ દેશમાં 'ઓપરેશન રામ મંદિર' ચલાવી રહ્યું છે? સોશિયલ મીડિયા પર જે રામ મંદિરના દાનની ઉચાપતના અહેવાલો ફરી રહ્યા છે, શું તે ચોરેલા નાણાંનો ઉપયોગ વિપક્ષી નેતાઓને લાલચ આપીને પક્ષ પલટો કરાવવા માટે થઈ રહ્યો છે?"
ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના પ્રખ્યાત સૂત્ર "હવે હિન્દુઓને મારવામાં નહીં આવે" ને ટાંકીને ઉદ્ધવે લાલ આંખ કરી કહ્યું કે, "હવે હું કહેવા માંગુ છું કે, 'હવે હિન્દુઓ છેતરપિંડી કરનારાઓને માફ નહીં કરે.' હિન્દુત્વના નામે આવી લૂંટ ચલાવી લેવાશે નહીં."
રામ મંદિર દાન ચોરી મામલે SIT ની તપાસ તેજ
ઉલ્લેખનીય છે કે અયોધ્યા રામ મંદિરમાં દાન એકત્રિત કરવા અને ગણતરી કરવા દરમિયાન થયેલી કથિત ગેરરીતિનો પર્દાફાશ ગત ૭ જૂને થયો હતો. ત્યારબાદ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના પ્રારંભિક રિપોર્ટના આધારે ૨૫ જૂને વિધિવત એફઆઈઆર (FIR) નોંધવામાં આવી હતી. આ કેસમાં દાન ગણતરીની પ્રક્રિયા સાથે સંકળાયેલા આઠ શંકાસ્પદ લોકોની અત્યાર સુધી ધરપકડ થઈ ચૂકી છે અને તપાસ ચાલી રહી છે, ત્યારે ઉદ્ધવ ઠાકરે આ મુદ્દાને મહારાષ્ટ્રની આગામી ચૂંટણીઓમાં મોટો હથિયાર બનાવવા સજ્જ થયા છે.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
