<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

ગેમિંગ હિસ્ટ્રીનો સૌથી મોટો બ્લાસ્ટ: લોન્ચિંગ પહેલાં જ GTA 6 નો તરખાટ : માત્ર 24 કલાકમાં ₹25,000 કરોડ પાર!

૧૨ વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ રોકસ્ટાર ગેમ્સે પ્રી-બુકિંગ વિન્ડો ખોલતાની સાથે જ દુનિયાભરના ગેમર્સે મચાવી લૂંટફાટ : બુર્જ ખલીફા કરતાં પણ બમણા બજેટમાં બનેલી ગેમે માત્ર ગણતરીના કલાકોમાં આખી દુનિયાની મનોરંજન ઇન્ડસ્ટ્રીને ચોંકાવી દીધી.

લોસ એન્જલસ:  ગેમિંગ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં એક નવો સુવર્ણ અધ્યાય લખાવા જઈ રહ્યો છે. વિશ્વભરના કરોડો ગેમર્સ જે ક્ષણની છેલ્લા એક દાયકાથી વધુ સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે 'ગ્રાન્ડ થેફ્ટ ઓટો ૬' (GTA 6) એ પ્રી-બુકિંગ શરૂ થતાંની સાથે જ સોશિયલ મીડિયાથી લઈને માર્કેટ સુધી ધમાકો કરી દીધો છે. સત્તાવાર રિપોર્ટ્સ અને એક્સબોક્સ (Xbox) ના ડેટા અનુસાર, પ્રી-ઓર્ડર શરૂ થવાના માત્ર ૨૪ કલાકમાં જ આ ગેમની રેકોર્ડબ્રેક ૩૯ મિલિયન (૩.૯ કરોડ) નકલો વેચાઈ ગઈ છે. જેનાથી કંપનીને આશરે ૩ બિલિયન ડૉલર એટલે કે અંદાજે ₹૨૫,૭૦૦ કરોડ રૂપિયાની અધધ કમાણી થઈ છે. રસપ્રદ વાત એ છે કે કેટલાક ઇનસાઇડર રિપોર્ટ્સ તો એવો પણ દાવો કરી રહ્યા છે કે ક્રેઝ એટલો ચરમસીમાએ હતો કે આ આંકડો માત્ર શરૂઆતના ૮ કલાકમાં જ વટાવી ગયો હતો, જેણે હોલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મોના આજીવન કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે.

આ ગેમનું કદ અને ક્રેઝ કેટલો વિશાળ છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે તેને બનાવવાનો ખર્ચ દુબઈની આકાશચુંબી ઈમારત 'બુર્જ ખલીફા' કરતાં પણ ઘણો વધારે છે. જ્યાં બુર્જ ખલીફાને બનાવવા માટે અંદાજે ૧.૪ થી ૧.૫ બિલિયન ડૉલરનો ખર્ચ થયો હતો, ત્યાં રોકસ્ટાર ગેમ્સે GTA 6 ના ડેવલપમેન્ટ અને માર્કેટિંગ પાછળ ૨ બિલિયન ડૉલર (આશરે ₹૧૬,૫૦૦ કરોડથી વધુ) નું આંધણ કર્યું છે. જોકે, તેની સામે ગેમર્સે પહેલા જ દિવસે કંપનીની જોળી રૂપિયાથી ભરી દીધી છે. વાઇસ સિટીના આધુનિક બેકડ્રોપ પર આધારિત આ ગેમમાં પહેલીવાર 'જેસન અને લુસિયા' નામના બે મુખ્ય પાત્રોની ક્રાઈમ સ્ટોરી જોવા મળશે. સુપર-એડવાન્સ ગ્રાફિક્સ, રિયલ-લાઇફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઓપન વર્લ્ડ ફ્રીડમને કારણે આ ગેમ માત્ર મનોરંજનનું સાધન નહીં પણ રિયલ લાઈફ સિમ્યુલેટર જેવો અનુભવ આપશે.

જો કે, આ આકાશી આંકડાઓ વચ્ચે રોકસ્ટાર ગેમ્સ અથવા તેની પેરેન્ટ કંપની 'ટેક-ટુ ઇન્ટરેક્ટિવ' દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ સત્તાવાર વેબસાઇટ પર પ્રી-ઓર્ડર માટે જે રીતે ટ્રાફિક જામ થયો છે તે જોતા આ આંકડા તદ્દન સાચા સાબિત થઈ રહ્યા છે. નવેમ્બરમાં રીલીઝ થનારી આ ગેમના પહેલા ટ્રેલરે પણ યુટ્યુબ પર વ્યુઝના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આર્થિક વિશ્લેષકોનું માનવું છે કે લોન્ચિંગના પહેલા જ વર્ષમાં આ ગેમ વૈશ્વિક સ્તરે અબજો ડોલરનો નવો વેપાર ઉભો કરશે. જો તમે પણ વાઇસ સિટીની આ રોમાંચક સફરનો હિસ્સો બનવા માંગતા હોવ, તો રોકસ્ટારની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અલગ-અલગ એડિશન પસંદ કરી અત્યારથી જ તમારી કોપી બુક કરાવી શકો છો.

(5:39 PM IST)