<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં સૌથી મોટો ધડાકો: ૧૪ જુલાઈથી ખુલશે દેશના સૌથી મોટા ફંડ હાઉસ SBI મ્યુચ્યુઅલ ફંડનો મેગા IPO, પ્રાઇસ બેન્ડની આજે થશે જાહેરાત!

SBI અને ફ્રાન્સની અમુન્ડી કંપની 'ઓફર ફોર સેલ' દ્વારા ૧૦% હિસ્સો વેચશે: નાણાકીય વર્ષ ૨૬માં ૪,૯૬૯ કરોડની બમ્પર કમાણી કરનાર ફંડ હાઉસમાં રોકાણકારોને મળશે કમાણીની સુવર્ણ તક

મુંબઈ, તા.૦૯: શેરબજારના રોકાણકારો અને આઈપીઓ (IPO) માર્કેટના શોખીનો માટે વર્ષ ૨૦૨૬ના સૌથી મોટા અને ધમાકેદાર સમાચાર સામે આવ્યા છે. દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની પેટાકંપની 'SBI ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડ' (SBI મ્યુચ્યુઅલ ફંડ) પોતાનો પ્રારંભિક જાહેર ઇશ્યૂ એટલે કે IPO લાવવા માટે સંપૂર્ણ સજ્જ થઈ ગઈ છે. મુંબઈમાં યોજાયેલી એક હાઈ-પ્રોફાઈલ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરવામાં આવી છે કે, આ મેગા IPO આગામી ૧૪ જુલાઈના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો મૂકવામાં આવશે અને રોકાણકારો ૧૬ જુલાઈ સુધી તેમાં બોલી લગાવી શકશે. જ્યારે મોટા એન્કર રોકાણકારો માટેની વિન્ડો ૧૩ જુલાઈથી જ ખૂલી જશે. રોકાણકારો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે પ્રાઇસ બેન્ડની સત્તાવાર જાહેરાત આજે એટલે કે ૯ જુલાઈના રોજ કરવામાં આવશે.
આ આઈપીઓ ભારતીય એસેટ મેનેજમેન્ટ (AMC) ઉદ્યોગના ઇતિહાસમાં સૌથી મોટો અને ઐતિહાસિક હોવાનું માનવામાં આવે છે. આ ઇશ્યૂ સંપૂર્ણપણે 'ઓફર ફોર સેલ' (OFS) આધારિત છે. જેનો સીધો અર્થ એ છે કે આનાથી કંપનીને કોઈ નવું ભંડોળ નહીં મળે, પરંતુ કંપનીના પ્રમોટર્સ અને વર્તમાન શેરધારકો પોતાનો હિસ્સો બજારમાં વેચીને રોકાણ હળવું કરશે. આ અંતર્ગત, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોતાના ૧૨.૮૩ કરોડ ઇક્વિટી શેર (૬.૩૦ ટકા હિસ્સો) વેચશે. જ્યારે તેની સંયુક્ત સાહસ ભાગીદાર અને ફ્રાન્સની દિગ્ગજ એસેટ મેનેજમેન્ટ કંપની 'અમુન્ડી ઇન્ડિયા હોલ્ડિંગ્સ' ૭.૫૪ કરોડ શેર (૩.૭૦ ટકા હિસ્સો) બજારમાં ઉતારશે. બંને સંસ્થાઓ મળીને કુલ ૧૦ ટકા હિસ્સો જાહેર જનતા માટે ખુલ્લો મૂકશે. સબ્સ્ક્રિપ્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૧ \૮ જુલાઈના રોજ શેરની ફાળવણી (Allotment) નક્કી થવાની સંભાવના છે.
આંકડાની નજરે કમાણીનું પાવરહાઉસ:
SBI મ્યુચ્યુઅલ ફંડ ભારતની સર્વોચ્ચ અને સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ કંપની છે. નાણાકીય મોરચે કંપની સુપરસ્ટ્રોંગ છે, જેણે તાજેતરના નાણાકીય વર્ષ ૨૬માં ₹૪,૯૬૯ કરોડની બમ્પર આવક (Revenue) નોંધાવી છે. એટલું જ નહીં, કંપની પાસે ₹૩,૫૩૩ કરોડનું જંગી અનામત અને સરપ્લસ (Reserves and Surplus) ભંડોળ છે.
ઇક્વિટી, ડેટ અને હાઇબ્રિડ સ્કીમ્સની વિશાળ શ્રેણી ધરાવતા આ ફંડ હાઉસે દેશના સામાન્ય રિટેલ રોકાણકારોથી લઈને મોટા ગજાની સંસ્થાઓમાં લોખંડી ભરોસો મેળવ્યો છે. આ IPO દ્વારા સામાન્ય જનતાને ભારતના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ વ્યવસાયના માલિક બનવાની અદ્ભુત તક મળશે, તો સામે પક્ષે SBI અને અમુન્ડી પોતાના રોકાણનું આંશિક મુદ્રીકરણ (Monetization) કરી શકશે. શેરબજારના નિષ્ણાતોના મતે, આ આઈપીઓ બજારમાં લિસ્ટિંગના અનેક નવા રેકોર્ડ સર્જી શકે છે.

(4:36 PM IST)