<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

ભારતીય ચલણના ઈતિહાસનો સૌથી મોટો કડાકો : અમેરિકી ડોલર સામે રૂપિયો ૯૬.૧૪ની સર્વકાલીન નીચી સપાટીએ પટકાયો

વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂતી અને ક્રૂડના ભડકે બળતા ભાવથી રૂપિયો એશિયાનું સૌથી નબળું ચલણ બન્યું : મોંઘવારીનો બેવડો માર : શેરબજારમાં જોરદાર અસ્થિરતા

 નવી દિલ્હી : વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને ભૌગોલિક-રાજકીય તણાવની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર જોવા મળી રહી છે. શુક્રવારે ભારતીય ચલણ રૂપિયો અમેરિકી ડોલર સામે ૯૬.૧૪ની ઐતિહાસિક અને અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ ગબડ્યો હતો. સતત ચોથા દિવસે રૂપિયામાં નરમાશ જોવા મળી છે અને માત્ર ચાલુ સપ્તાહમાં જ રૂપિયાનું મૂલ્ય ૯૦ પૈસાથી વધુ ઘટી ગયું છે. આ ગંભીર પતનને કારણે રૂપિયો હાલમાં સમગ્ર એશિયામાં સૌથી નબળો દેખાવ કરનાર ચલણ તરીકે ઉભર્યો છે, જેના કારણે ભારતનું આયાત બિલ અને વ્યાપારી ખાધ વધવાની ભીતિ સેવાઈ રહી છે.

 

 સામાન્ય જનતા પર મોંઘવારીનો ડામ - ઈંધણના ભાવમાં વધારો:

રૂપિયાના ધોવાણ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના વધતા ભાવ વચ્ચે કેન્દ્ર સરકારે સામાન્ય જનતા પર મોંઘવારીનો આકરો બોજ ઝીંક્યો છે. સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૩ રૂપિયાનો વધારો જાહેર કર્યો છે, જેનો અમલ તાત્કાલિક અસરથી શરૂ થઈ ગયો છે. ઈરાન સંઘર્ષને કારણે તેલના પુરવઠામાં જે અવરોધ ઊભો થયો છે તેને પહોંચી વળવા અને ઈંધણના વપરાશને મર્યાદિત કરવા માટે આ કઠોર નિર્ણય લેવાયો હોવાનું મનાય છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ ૧૦૯ ડોલર પ્રતિ બેરલની ઉપર ટ્રેડ થઈ રહ્યું છે, જે મોંઘવારીમાં વધુ વધારો કરી શકે છે.

 

 ટ્રમ્પ-જિનપિંગ સમિટની નિષ્ફળતાથી ડોલર મજબૂત થયો:

બજારમાં રૂપિયાના પતન માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની સમિટની નિષ્ફળતાને મુખ્ય કારણ માનવામાં આવે છે. બંને દેશો વચ્ચે તાઈવાન અને ઈરાનના મુદ્દે સહમતી ન સધાતા વૈશ્વિક બજારમાં અસ્થિરતા વધી છે. આ અનિશ્ચિતતાના માહોલમાં રોકાણકારો સુરક્ષિત ગણાતા અમેરિકી ડોલર તરફ વળ્યા છે. વધુમાં, અમેરિકાના મજબૂત આર્થિક ડેટાને કારણે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો થવાની આશા ધૂંધળી બની છે, જેનાથી ડોલર ઈન્ડેક્સ સતત મજબૂત થઈ રહ્યો છે.

 

 સરકારની આર્થિક કટોકટી સામેની વ્યુહરચના:

વધતી જતી આર્થિક ચિંતાઓ વચ્ચે નવી દિલ્હીએ બચાવલક્ષી પગલાં ભરવાનું શરૂ કર્યું છે. ગુરુવારે સોનાની ડ્યૂટી-ફ્રી આયાત પર ૧૦૦ કિલોગ્રામની મર્યાદા લાદ્યા બાદ, શુક્રવારે ઈંધણના ભાવમાં વધારો કરીને નાણાકીય દબાણ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નિષ્ણાતોના મતે, આ પગલાં ભારતની વધતી જતી કરંટ એકાઉન્ટ ડેફિસિટ (CAD) ને કાબૂમાં લેવા માટેના ગંભીર નીતિગત પ્રયાસોનો ભાગ છે.

 

 શેરબજારમાં જોરદાર અસ્થિરતા:

ચલણના મોરચે સર્જાયેલી ગંભીર સ્થિતિની અસર શેરબજાર પર પણ જોવા મળી હતી. શુક્રવારે બીએસઈ સેન્સેક્સ તેની દિવસની સર્વોચ્ચ સપાટીએથી ૨૦૦ પોઈન્ટથી વધુ ગબડીને ૭૫,૧૭૫ ના સ્તર પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. જોકે, શરૂઆતી સત્રમાં સેન્સેક્સે ૨૩૯ પોઈન્ટનો ઉછાળો પણ દર્શાવ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) અગાઉના સત્રમાં નેટ બાયર્સ રહ્યા હોવાથી બજારને થોડો આધાર મળ્યો હતો, પરંતુ રૂપિયાની રેકોર્ડબ્રેક નબળાઈએ રોકાણકારોમાં ફાળ પાડી છે. જો આગામી સમયમાં ક્રૂડના ભાવમાં ઘટાડો નહીં થાય, તો રૂપિયા પરનું દબાણ હજુ વધી શકે છે.

(3:17 PM IST)