<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે દિવાળી પહેલાં સૌથી મોટા હરખના સમાચાર: આંધ્રપ્રદેશ સરકારે લાંબા સમયથી અટવાયેલા બે મોંઘવારી ભથ્થાની કરી સત્તાવાર જાહેરાત, ૨૬ મહિનાનું જંગી એરિયર્સ હપ્તાવાર ચૂકવાશે

​યુનિવર્સિટી સ્ટાફ અને લોકલ બોડીના કર્મચારીઓ સહિત કરોડોના ભંડોળનો લાભ મળશે; જુલાઈ ૨૦૨૪થી ૨.૭૩% અને જાન્યુઆરી ૨૦૨૫થી ૧.૮૨% નો વધારો મળી કુલ ૪.૫૫% નો આંકડો વધારીને ભથ્થું ૪૧.૮૬ ટકાએ પહોંચાડાયું

​અમરાવતી :સરકારી નોકરી કરતા કર્મચારીઓ અને પેન્શનરો માટે એક અત્યંત રાહતના અને આનંદના સમાચાર સામે આવ્યા છે. મોંઘવારીના વર્તમાન સમયમાં કર્મચારીઓની આર્થિક સ્થિતિને મજબૂત કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા (DA) માં મજબૂત વધારો કરવાનો અને લાંબા સમયથી અટકેલા નાણાં છૂટા કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વ હેઠળની આંધ્રપ્રદેશ સરકારે પોતાના લાખો કર્મચારીઓ, યુનિવર્સિટીના સ્ટાફ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (લોકલ બોડીઝ) માં કાર્યરત કર્મચારીઓ માટે એકસાથે બે મહત્વના ડીએ વધારાનું એલાન કરીને કર્મચારી આલમમાં ખુશીની લહેર લાવી દીધી છે.

​કુલ ૪.૫૫ ટકાનો વધારો: ભથ્થું ૪૧.૮૬ ટકાની સપાટીએ

સરકાર દ્વારા જારી કરવામાં આવેલા બે અલગ-અલગ સત્તાવાર આદેશો મુજબ, કર્મચારીઓના ડીએમાં કુલ ૪.૫૫ ટકાનો તબક્કાવાર વધારો કરવામાં આવ્યો છે. પ્રથમ આદેશ અનુસાર, ૧ જુલાઈ ૨૦૨૪થી અમલી બને તે રીતે મોંઘવારી ભથ્થામાં ૨.૭૩ ટકાનો વધારો કરાયો છે, જેનાથી ભથ્થું ૩૭.૩૧ ટકાથી વધીને ૪૦.૦૪ ટકા થયું છે. જ્યારે બીજા સરકારી આદેશ હેઠળ, ૧ જાન્યુઆરી ૨૦૨૫થી મોંઘવારી ભથ્થામાં વધુ ૧.૮૨ ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ બીજા સુધારા બાદ હવે રાજ્યના કર્મચારીઓનું કુલ મોંઘવારી ભથ્થું ૪૧.૮૬ ટકાના સ્તરે પહોંચી ગયું છે. આ વધારાનો પ્રત્યક્ષ લાભ ઓક્ટોબર ૨૦૨૬ના માસિક વેતનથી ચૂકવવામાં આવશે.

​૨૬ મહિનાના બાકી એરિયર્સનું હપ્તાવાર ચુકવણું થશે

સુધારાવાદી નીતિના ભાગરૂપે જાહેર કરાયેલા આ નિર્ણયથી કર્મચારીઓને પાછલી તારીખથી અમલમાં આવેલો આ વધારો મંજૂર કરાતાં ૨૬ મહિનાનું વિશાળ એરિયર્સ (ચડત રકમ) મળવાપાત્ર થશે. આ ૨૬ મહિનાના જંગી એરિયર્સની રકમનું ભુગતાન રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૭ અને ૨૦૨૮ દરમિયાન તબક્કાવાર હપ્તાઓમાં કરવામાં આવશે. આ ઉપરાંત, જે કર્મચારીઓ જૂની પેન્શન યોજના (OPS) હેઠળ આવરી લેવાયેલા છે, તેમના એરિયર્સના નાણાં સીધા જ તેમના જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) ખાતામાં જમા કરી દેવામાં આવશે.

​કેન્દ્રીય કર્મચારીઓમાં પણ આગામી વધારાની આશા જાગી

બીજી તરફ, કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓ માટે વર્ષમાં બે વાર (જાન્યુઆરી અને જુલાઈમાં) ડીએમાં વધારો જાહેર કરે છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે ૨ ટકાનો વધારો કરી કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ ૬૦ ટકાથી વધારીને ૬૨ ટકા કર્યું હતું. હાલમાં સમગ્ર દેશના કેન્દ્રીય કર્મચારીઓ જુલાઈ મહિનાના આગામી ડીએ વધારાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. મોંઘવારીના આંકડાઓને ધ્યાનમાં લેતા એવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે કે કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં ૩ થી ૪ ટકા સુધીનો વધારો કરી શકે છે, જેનાથી કેન્દ્રીય કર્મચારીઓનું ભથ્થું ૬૫ કે ૬૬ ટકા સુધી પહોંચવાની સંભાવના છે.

(1:55 PM IST)