<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

કેન્સરના દર્દીઓ માટે સૌથી મોટી રાહત: 1,364 દવાઓની નવી MRP આજથી લાગુ : કિંમતોમાં 96% સુધીનો ભયાનક ઘટાડો!

NPPAના નિર્ણયથી દર્દીઓને વાર્ષિક ₹3,540 કરોડથી વધુની બચત : ₹40,000 થી વધુ કિંમતની કેન્સરની કેપ્સ્યુલ હવે માત્ર ₹2,720 માં મળશે: વધુ કિંમત વસૂલનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી

નવી દિલ્હી: કેન્સર જેવી ગંભીર અને ખર્ચાળ બીમારી સામે ઝૂઝતા કરોડો દર્દીઓ અને તેમના પરિવારજનો માટે કેન્દ્ર સરકાર તરફથી અત્યાર સુધીના સૌથી મોટા અને રાહતરૂપ સમાચાર આવ્યા છે. રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળની નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) દ્વારા કેન્સરની 1,364 ફોર્મ્યુલેશન દવાઓ માટે નક્કી કરવામાં આવેલી નવી મહત્તમ વેચાણ કિંમત (MRP) આજથી, એટલે કે 9 નવેમ્બર 2026 થી દેશભરમાં અમલમાં આવી ગઈ છે. 85 જેટલી અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓએ તેમની દવાઓના નવા ભાવ નોંધાવી દીધા છે, જેમાં 679 બ્રાન્ડ્સે કિંમતમાં 50 ટકાથી વધુ અને કેટલીક દવાઓમાં તો 96.45 ટકા સુધીનો ઐતિહાસિક ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી દેશના ગ્રાહકોને વાર્ષિક અંદાજે ₹3,540.38 કરોડની જંગી બચત થશે.

સરકારના આ ક્રાંતિકારી પગલાથી મોંઘીદાટ ગણાતી કેન્સરની સારવાર હવે સામાન્ય લોકોની પહોંચમાં આવશે. ઉદાહરણ તરીકે, સ્તન કેન્સરની સારવાર માટે વપરાતી RPG લાઇફ સાયન્સની મહત્વપૂર્ણ કેપ્સ્યુલ 'પાલ્બોપ્રો' ની કિંમત ₹40,421.33 થી સીધી ઘટાડીને અકલ્પનીય રીતે માત્ર ₹2,720 કરી દેવામાં આવી છે. તેવી જ રીતે, પ્રોસ્ટેટ કેન્સરની સારવારમાં ઉપયોગી આર્વિનકેર ફાર્માની 'એબિરોન'  ટેબ્લેટ જે અગાઉ ₹41,250 માં મળતી હતી, તે હવે દર્દીઓને માત્ર ₹3,218.23 માં ઉપલબ્ધ થશે. ટ્રેડ માર્જિન કેપિંગ (TMR) ના આધારે લેવાયેલા આ નિર્ણયથી કેન્સરની સારવારનો આર્થિક બોજ અત્યંત ઓછો થઈ જશે.

આરોગ્ય મંત્રાલય અને NPPA એ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે દેશની કોઈપણ હોસ્પિટલ, ફાર્મસી કે કેમિસ્ટ સ્ટોર દર્દીઓ પાસેથી છાપેલી નવી MRP કરતાં એક પણ રૂપિયો વધુ વસૂલ કરી શકશે નહીં. ગ્રાહકો નવી કિંમતોની ચકાસણી 'ફાર્મા સહી દામ' મોબાઈલ એપ અથવા NPPA ની સત્તાવાર વેબસાઈટ  પરથી કરી શકે છે. જો કોઈ હોસ્પિટલ કે દવા વિક્રેતા વધુ પડતી કિંમત વસૂલે અથવા જૂના ભાવે દવાનું વેચાણ કરવાનો પ્રયાસ કરે, તો દર્દીઓ અને તેમના પરિજનો 'ફાર્મા જન સમાધાન' પોર્ટલ દ્વારા અથવા ટોલ-ફ્રી નંબર 1800-111-255 પર કૉલ કરીને તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકે છે, જેના પર સરકાર દ્વારા કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

(6:11 PM IST)