તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
કેન્સરના દર્દીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર: ૧૩૭ ગંભીર દવાઓના ભાવમાં ૭૦% સુધીના ઘટાડાની તૈયારી!
NPPA દ્વારા ટ્રેડ માર્જિન ૩૦ ટકા સુધી મર્યાદિત કરાતાં MRPમાં થશે મોટો ઘટાડો: ૯ નવેમ્બર, ૨૦૨૬થી દેશભરની હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર્સમાં નવી કિંમતો લાગુ થશે

નવી દિલ્હી: મોંઘી અને લાંબા ગાળાની કેન્સરની સારવારથી આર્થિક સંકટનો સામનો કરી રહેલા દેશના લાખો દર્દીઓ અને તેમના પરિવારો માટે કેન્દ્ર સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારના ફાર્માસ્યુટિકલ્સ વિભાગ હેઠળ કાર્યરત નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ કેન્સરની વધુ ૧૩૭ દવાઓના ભાવ નિયંત્રિત કરવા માટે મોટું કદમ ઉઠાવ્યું છે. આ પહેલ હેઠળ સરકારે ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને રિટેલર્સ માટે મહત્તમ ટ્રેડ માર્જિન (નફાનું પ્રમાણ) ૩૦ ટકા સુધી મર્યાદિત કરી દીધું છે. આ નિર્ણયના પરિણામે કેન્સરની આ દવાઓની મહત્તમ છૂટક કિંમત (MRP) માં ૭૦ ટકા સુધીનો જંગી ઘટાડો થશે. નવી સુધારેલી કિંમતો ૯ નવેમ્બર, ૨૦૨૬ થી દેશભરમાં અમલી બનશે.
નિષ્ણાત સમિતિની ભલામણોના આધારે NPPA એ ૧૩૭ જીવનરક્ષક કેન્સર દવાઓની પસંદગી કરી છે. દવાઓના ભાવમાં થનારો આ ઘટાડો દવાની હાલની કિંમત અને તેના પ્રાઇસ સ્ટ્રક્ચર પર આધારિત રહેશે. અગાઉ વર્ષ ૨૦૧૯ માં પણ સરકારે ૪૨ કેન્સર દવાઓ પર ટ્રેડ માર્જિન ૩૦ ટકા સુધી મર્યાદિત કર્યું હતું, જેના કારણે ૫૨૬ બ્રાન્ડ્સની બિન-શિડ્યુલ્ડ કેન્સર દવાઓના ભાવમાં ૯૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. હવે આ નીતિનો વ્યાપ વધારીને વધુ ૧૩૭ દવાઓને તેના હેઠળ આવરી લેવામાં આવી છે, જેથી દર્દીઓ પરનો નાણાકીય બોજ નોંધપાત્ર રીતે ઓછો થઈ શકશે.
સરકારી નિર્દેશો મુજબ, તમામ ફાર્માસ્યુટિકલ કંપનીઓએ નોટિફિકેશન જારી થયાના સાત દિવસની અંદર NPPA ને તેમની સુધારેલી કિંમતોની યાદી સોંપવી પડશે. આ ઉપરાંત કંપનીઓએ પોતાની અધિકૃત વેબસાઇટ, તમામ હોસ્પિટલો અને રિટેલ ફાર્મસીઓ સુધી નવી ભાવસૂચી પહોંચાડવાની રહેશે. ૯ નવેમ્બરથી દેશની તમામ ફાર્મસીઓ અને હોસ્પિટલો માટે સુધારેલા ભાવે જ દવાઓ પૂરી પાડવી ફરજિયાત બનશે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ભાવ ઘટાડાને કારણે બજારોમાં કેન્સરની દવાઓની કોઈ અછત સર્જાય નહીં તે માટે કંપનીઓએ ઉત્પાદન અને પુરવઠો જાળવી રાખવો પડશે. તમામ દર્દીઓ NPPA ની સત્તાવાર વેબસાઇટ અને 'ફાર્મા સહી દામ' એપ પરથી દવાઓના નવા ભાવ ચકાસી શકશે.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
