<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

સીબીએસઈ ધોરણ-૧૨ બોર્ડના કરોડો વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા અને રાહતના સમાચાર: પુનઃમૂલ્યાંકન ફીમાં ટેકનિકલ ખામીથી કપાયેલા વધારાના નાણાં બોર્ડ ખાતામાં પરત કરશે

ઓનલાઈન પોર્ટલ ક્રેશ થતાં સર્જાયેલી અફડાતફડી વચ્ચે સીબીએસઈનું મોટું એલાન: વિદ્યાર્થીઓએ હવે ઉત્તરવહીની સ્કેન કોપી મેળવવા માટે ફરીથી અરજી કરવાની કોઈ જરૂર નથી

નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા વર્ષ ૨૦૨૬ની ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ ઉત્તરવહીઓના પુનઃમૂલ્યાંકન અને રી-ચેકિંગ કરાવી રહેલા દેશભરના હજારો વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર સામે આવ્યા છે. પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર અચાનક સર્જાયેલી ગંભીર ટેકનિકલ ખામીઓ અને ફી ચૂકવણીમાં થયેલી મોટી ગરબડો અંગે સીબીએસઈ એક્શન મોડમાં આવ્યું છે. બોર્ડે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જવાના કારણે અથવા પોર્ટલની ખામીને લીધે જે વિદ્યાર્થીઓના બેંક ખાતામાંથી વધારાના પૈસા કપાઈ ગયા છે, તે તમામ નાણાં શોર્ટ ટાઈમમાં ઓરિજિનલ પેમેન્ટ મેથડથી ખાતામાં પરત જમા કરી દેવામાં આવશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૨૧ અને ૨૨ મે ના રોજ દેશભરમાંથી લાખો વિદ્યાર્થીઓ એકસાથે પોતાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી ડિજિટલ નકલ મેળવવા માટે બોર્ડના પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી રહ્યા હતા. આ અચાનક વધેલા ટ્રાફિક અને કેટલાક અનધિકૃત સાયબર પ્રયાસોના કારણે બોર્ડનું મુખ્ય સર્વર ક્રેશ થઈ ગયું હતું. આ સમય દરમિયાન અસંખ્ય વાલીઓએ ફરિયાદ કરી હતી કે બેંકમાંથી પૈસા કપાઈ ગયા હોવા છતાં અરજીઓ અધૂરી બતાવી રહી હતી અને અમુક કિસ્સામાં ડબલ પૈસા કપાયા હતા. આ ગંભીર મુદ્દે વિદ્યાર્થીઓ અને વાલીઓએ સોશિયલ મીડિયા પર મોટો આક્રોશ ઠાલવ્યો હતો, જેના પગલે સીબીએસઈના પરીક્ષા નિયંત્રક ડૉ. સંયમ ભારદ્વાજે ખાસ નોટિસ જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે આવી ભૂલો છતાં કોઈ પણ લાયક વિદ્યાર્થી સ્કેન કોપીથી વંચિત રહેશે નહીં અને તેમણે નવેસરથી કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં.
વધુમાં, બોર્ડે ઉદારતા દાખવતા જણાવ્યું છે કે જે વિદ્યાર્થીઓ પાસેથી ટેકનિકલ ક્ષતિના કારણે ઓછી ફી લેવાઈ છે, તેમને પાછળથી અલગથી જાણ કરીને બાકીની રકમ સ્વીકારવામાં આવશે પરંતુ અત્યારે તેમની સ્કેન કોપી અટકાવવામાં નહીં આવે. સર્વર ડાઉન હોવાના કારણે લાખો વિદ્યાર્થીઓ સમયસર ઓનલાઈન ફોર્મ ભરી શક્યા ન હોવાથી, બોર્ડે તેની અરજી કરવાની અંતિમ તારીખ ૨૩ મે થી લંબાવીને ૨૪ મે, ૨૦૨૬ સુધી કરીને મોટી તક આપી છે. વિદ્યાર્થીઓ હજુ પણ સત્તાવાર વેબસાઈટ પર જઈને પોતાના રોલ નંબર અને સ્કૂલ આઈડી દ્વારા લોગ-ઈન કરી, વિષય પસંદ કરીને ઓનલાઈન ફી સબમિટ કરીને રસીદ ડાઉનલોડ કરી શકે છે. બોર્ડના આ ત્વરિત અને વિદ્યાર્થીલક્ષી નિર્ણયથી વાલીઓમાં વ્યાપેલી ચિંતાનો આખરે અંત આવ્યો છે.

(2:18 PM IST)