News of Tuesday, 19th May 2026
બિહાર: અઢળક સોનું અને દુર્લભ ખનીજો: ૧૪ બ્લોકની થશે ધમાકેદાર હરાજી, બદલાઈ જશે રાજ્યનું નસીબ!
સોનાની સાથે પેલેડિયમ અને ટાઇટેનિયમ જેવા કિંમતી વૈશ્વિક ખનીજોનો મળ્યો ભંડાર; ફાઇટર જેટથી લઈને સ્માર્ટફોન બનાવવામાં ઉપયોગી તત્વોથી બિહાર બનશે માલામાલ

પટના : બિહારના લાખો લોકો અને સમગ્ર દેશ માટે ઉર્જા તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે એક અત્યંત ઉત્સાહજનક અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. બિહારની ધરતી ટૂંક સમયમાં અઢળક સોનું અને વિશ્વના સૌથી કિંમતી ગણાતા દુર્લભ ખનીજો (Rare Earth Elements) ઓકવા માટે તૈયાર છે. મંગળવારે બિહારના ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર મંત્રી પ્રમોદ કુમારે એક મોટી અને સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં અતિ દુર્લભ ખનીજોનો વિશાળ ભંડાર મળી આવ્યો છે અને તેના વ્યાપારી ખાણકામ (Commercial Mining) માટેની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી શરૂ કરી દેવામાં આવશે. કેન્દ્ર સરકારે રાજ્યના વિવિધ ભાગોમાં આવા ૧૪ જેટલા મહત્વપૂર્ણ ખનિજ બ્લોકની ઓળખ કરી લીધી છે, જેની હરાજીની પ્રક્રિયા ટૂંક સમયમાં જ શરૂ થવાની સંભાવના છે. આ નવી શોધથી બિહારની આવકમાં રેકોર્ડબ્રેક વધારો થશે અને સ્થાનિક સ્તરે રોજગારીની લાખો નવી તકો ઊભી થશે.
મંત્રી પ્રમોદ કુમારે વિગતો આપતા જણાવ્યું કે, આ સર્વેક્ષણ દરમિયાન બિહારના અલગ-અલગ જિલ્લાઓમાંથી પેલેડિયમ, ટાઇટેનિયમ, ગ્લુકોનાઇટ અને કોબાલ્ટ જેવા અત્યંત કિંમતી ખનીજોનો મોટો જથ્થો મળી આવ્યો છે. ખાસ કરીને બાંકા જિલ્લામાં કોબાલ્ટ મળ્યો છે, જેની હરાજીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ ઉપરાંત, ભાગલપુર જિલ્લાના બટેશ્વરસ્થાન વિસ્તારમાં 'રેર અર્થ એલિમેન્ટ્સ' (REE) ના મહત્વપૂર્ણ સંકેતો અને ક્રોમાઇટના ભંડાર હોવાનું પણ સાબિત થયું છે. અત્રે નોંધનીય છે કે, REE એ ૧૭ કુદરતી ધાતુ તત્વોનો એક એવો વિશિષ્ટ સમૂહ છે, જેનો ઉપયોગ આધુનિક યુગના સંરક્ષણ સાધનો જેવા કે મિસાઇલ, રડાર, ફાઇટર એરક્રાફ્ટ અને ડ્રોન બનાવવામાં થાય છે. આ સિવાય ઇલેક્ટ્રિક વાહનો (EV), સ્માર્ટફોન, લેપટોપ અને હાર્ડ ડિસ્ક જેવી હાઇ-ટેક વસ્તુઓ પણ આ khનીજો વિના બનાવવી અશક્ય છે.
નવાદા અને રોહતાસમાં ૨૦ મે પછી હરાજીનો ધમધમાટ
રાજ્યમાં ખાણકામ શરૂ કરવા માટે વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે આગળ વધી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા નવાદા જિલ્લામાં વેનેડિયમ-બેરિંગ મેગ્નેટાઇટ અને ઇલ્મેનાઇટના માઇનિંગ બ્લોક તેમજ રોહતાસ જિલ્લામાં ત્રણ ગ્લુકોનાઇટ બ્લોકની હરાજી કરવાની સત્તાવાર મંજૂરી અપાઈ ચૂકી છે. ભારત સરકારના જાહેર ક્ષેત્રના અગ્રણી એકમ, મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન (MSTC) દ્વારા આ તમામ બ્લોક્સ માટે વૈશ્વિક સ્તરે ખાણકામની બિડ (Bids) આમંત્રિત કરવામાં આવી છે. આ સમગ્ર હરાજી પ્રક્રિયા આગામી ૨૦ મે પછી ગમે ત્યારે શરૂ થઈ જશે.
જમુઈના સોનો વિસ્તારમાં સોનાના ભંડારની પ્રબળ શક્યતા
બિહારના દક્ષિણ ક્ષેત્રમાં, ખાસ કરીને ઝારખંડની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં અત્યારે અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી વ્યાપક સંશોધન ચાલી રહ્યું છે. મંત્રીએ ઉમેર્યું કે, જમુઈ જિલ્લાના સોનો વિસ્તારમાં સોનાના ભંડાર હોવાની પુષ્ટિ થઈ છે અને હાલ ત્યાં સઘન સર્વેક્ષણ અંતિમ તબક્કામાં છે, જેના ફાઇનલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ સાથે જ બાંકા જિલ્લાના પિંડરક વિસ્તારમાં તાંબા (Copper) નો પણ મોટો ભંડાર હાથ લાગ્યો છે.
આ ભવ્ય ખનિજ ભંડારને શોધવા માટે ઇન્ડિયન જીઓલોજિકલ સર્વે દ્વારા હવાઈ સર્વેક્ષણ, સેટેલાઇટ ઇમેજરી (ઉપગ્રહ છબીઓ), ઐતિહાસિક ડેટા વિશ્લેષણ અને જમીનના ઊંડાણપૂર્વકના વૈજ્ઞાનિક અભ્યાસો કરવામાં આવ્યા છે. વિશ્લેષકોના મતે, આ હરાજી સફળ થતાં જ બિહાર ભારતના નકશા પર એક મુખ્ય ઔદ્યોગિક અને ખનિજ હબ તરીકે ઉભરી આવશે.
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
