તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
બિહારની સરકારી હોસ્પિટલોમાં હવે 'તીસરી આંખ'નો પહેરો: હેલ્થ મિનિસ્ટર નિશાંત કુમારનો મોટો આદેશ, ડોક્ટરો અને સ્ટાફની હિલચાલ પર રખાશે સીધી નજર!
૧૫,૦૦૦ સરકારી આરોગ્ય કેન્દ્રોમાં તબક્કાવાર સીસીટીવી કેમેરા લાગશે; ક્યારે આવ્યા, કેટલા દર્દી જોયા અને કઈ સર્જરી કરી... ખાસ સોફ્ટવેરથી બધી જ કરાશે ટ્રેકિંગ

પટણા : બિહારની સરકારી હોસ્પિટલોની કાયાપલટ કરવા અને આરોગ્ય સેવાઓમાં પારદર્શિતા લાવવા માટે નીતિશ કુમારના પુત્ર અને રાજ્યના નવા આરોગ્ય મંત્રી નિશાંત કુમારે એક અત્યંત મોટો અને કડક નિર્ણય લીધો છે. સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની ગેરહાજરી અને સ્ટાફની લાપરવાહીની વ્યાપક ફરિયાદો વચ્ચે, આરોગ્ય મંત્રીએ રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓમાં સીસીટીવી કેમેરા લગાવવાનો સત્તાવાર આદેશ જારી કર્યો છે. આ આદેશ પાછળનો મુખ્ય હેતુ હોસ્પિટલના કર્મચારીઓની કામગીરી પર બાજ નજર રાખવાનો અને દર્દીઓને સમયસર સારવાર અપાવવાનો છે.
હાઈટેક સોફ્ટવેરથી થશે પળેપળનું મોનિટરિંગ
બિહારમાં અંદાજે ૧૫,૦૦૦ જેટલી સરકારી આરોગ્યસંભાળ સંસ્થાઓ કાર્યરત છે, જ્યાં તબક્કાવાર રીતે હાઈ-ક્વોલિટી કેમેરા સ્થાપિત કરવામાં આવશે. મંત્રી નિશાંત કુમારે જણાવ્યું હતું કે, આ આખી સિસ્ટમને ટ્રેક કરવા માટે એક ખાસ સોફ્ટવેર પણ વિકસાવવામાં આવી રહ્યું છે.
આ નવી હાઈટેક સિસ્ટમ માત્ર ડોક્ટરોની હાજરી કે આવવા-જવાનો સમય જ નહીં નોંધે, પરંતુ તે સમયગાળા દરમિયાન તેમણે ઓપીડી (OPD) માં કેટલા દર્દીઓ તપાસ્યા, આઈપીડી (IPD) માં કેટલું કામ કર્યું કે કઈ શસ્ત્રક્રિયાઓ (સર્જરી) કરી, તેનો સંપૂર્ણ હિસાબ-કિતાબ પણ ડિજિટલી રેકોર્ડ કરશે.
દવાઓની હેરાફેરી અટકશે અને ગેરહાજર સ્ટાફની ખેર નથી
આરોગ્ય મંત્રીના જણાવ્યા અનુસાર, સરકારનો બીજો મોટો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે હોસ્પિટલોમાં આવતી સરકારી દવાઓ ચોરી કે હેરાફેરી થયા વિના યોગ્ય માત્રામાં જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓ સુધી પહોંચે. હાલમાં આરોગ્ય વિભાગ માટે સૌથી મોટો માથાનો દુખાવો ફરજ પરથી ગેરહાજર રહેતા ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ છે, જેમના પર આ નવી વ્યવસ્થાથી સીધો સકંજો કસાશે.
બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે તુરંત એક્શન
નિશાંત કુમાર છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલોની ઓચિંતી મુલાકાત લઈ રહ્યા છે. તાજેતરમાં જ પીએમસીએચ (PMCH) ની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન તેમણે ત્યાંના કાર્યકારી પ્રિન્સિપાલને ફરજ પરથી ગેરહાજર જોયા હતા, જેની સામે કડક પગલાં લઈને સરકારે તુરંત જ તેમને વધારાના ચાર્જ પરથી હટાવી દીધા હતા. આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે થતી કોઈપણ પ્રકારની બેદરકારી હવે સહન કરવામાં આવશે નહીં. તમામ જિલ્લા હોસ્પિટલોને સુપર-સ્પેશિયાલિટી અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોને સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં અપગ્રેડ કરવાની યોજના પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
