<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

બિહારના રાજકારણમાં ગરમાવો: ૪ વર્ષના લાંબા બ્રેક બાદ નીતિશ કુમારને મળ્યા RCP સિંહ; 25 વર્ષ જૂના સંબંધોની દુહાઈ આપી 'ઘરવાપસી'ના આપ્યા સંકેત

એક સમયે નીતિશના અત્યંત નજીક ગણાતા પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું, "નીતિશજી હંમેશા મારા નેતા રહેશે", તો બીજી તરફ JDU પ્રવક્તાએ સાફ શબ્દોમાં કહ્યું - "આ વ્યક્તિ બિલકુલ ભરોસાપાત્ર નથી!"

પટના, તા. ૨૭: બિહારના રાજકારણમાં ક્યારે કયો નવો વળાંક આવી જાય તે કહેવું મુશ્કેલ છે. રાજકીય વર્તુળોમાં અત્યારે એક જબરદસ્ત ચર્ચા જાગી છે. જનતા દળ યુનાઇટેડ (JDU) ના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રામચંદ્ર પ્રતાપ સિંહ (RCP સિંહ) પૂરા ચાર વર્ષના લાંબા અંતરાલ બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મળવા પહોંચ્યા હતા. પાર્ટીમાંથી હાંકી કઢાયા બાદ બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ મુલાકાતે RCP સિંહની JDU માં વાપસીની અટકળોને તેજ કરી દીધી છે.

બેઠક બાદ RCP સિંહના બદલાયેલા સૂર

શુક્રવારે પટનાના ૭ સર્ક્યુલર રોડ સ્થિત મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ હાઈ-પ્રોફાઈલ મુલાકાત યોજાઈ હતી. બેઠક બાદ બહાર આવેલા RCP સિંહ ખૂબ જ ખુશ અને ઉત્સાહિત દેખાતા હતા. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, "નીતિશ કુમાર સાથે મારો ૨૫ વર્ષ જૂનો અતૂટ સંબંધ છે અને તે અકબંધ છે. જ્યારે પણ અમે મળીએ છીએ, ત્યારે એક નવી ઇનિંગની શરૂઆત થાય છે."

JDU માં પાછા ફરવાના સવાલ પર તેમણે ગોળગોળ જવાબ આપતા હળવાશથી કહ્યું કે, "અમે તો અમારા પોતાના જ ઘરમાં છીએ." વધુમાં, તેમણે નીતિશ કુમારને પોતાના સર્વોચ્ચ નેતા ગણાવ્યા હતા અને ભવિષ્યમાં ફરીથી તેમને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે નીતિશ કુમારના પુત્રની પણ પ્રશંસા કરી હતી.

JDU ના નેતાઓ નારાજ: "આરસીપી પર ભરોસો ન કરાય"

જોકે, એક તરફ RCP સિંહ 'ઓલ ઇઝ વેલ' ના ગાણા ગાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ JDU ના વરિષ્ઠ નેતાઓ આ મુલાકાતથી સહેજ પણ ખુશ નથી. પાર્ટીના મુખ્ય પ્રવક્તા નીરજ કુમારે 'ઘરવાપસી' ની અટકળોને ફગાવતા આકરા પ્રહારો કર્યા હતા.

પ્રવક્તાનો આક્રોશ

"અમારો આરસીપી સિંહ સાથેનો અનુભવ ખૂબ જ કડવો રહ્યો છે. જ્યારે તેઓ પાર્ટીના અધ્યક્ષ હતા, ત્યારે તેમણે JDU ને પતનની અણી પર ધકેલી દીધું હતું. ૨૦૨૦ ની વિધાનસભા ચૂંટણીમાં તેમના કારણે જ પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા ઘટીને માત્ર ૪૩ રહી ગઈ હતી. આ એ જ નેતા છે જેમણે અગાઉ નીતિશ કુમારની રાજકીય ક્ષમતા પર સવાલો ઉઠાવી તેમને રાજકારણ માટે અયોગ્ય ગણાવ્યા હતા. આવા નેતા પર ક્યારેય વિશ્વાસ કરી શકાય નહીં."

IAS અધિકારીથી લઈને મંત્રીપદ સુધીની રોમાંચક સફર

મૂળ બિહારના નાલંદા જિલ્લાના વતની આરસીપી સિંહ અને નીતિશ કુમાર વચ્ચેનો રાજકીય ઉતાર-ચઢાવ અત્યંત રસપ્રદ રહ્યો છે. આવો જાણીએ તેમની સફરના મુખ્ય પડાવો:

·         બ્યુરોક્રેટથી રાજનીતિમાં એન્ટ્રી: ઉત્તર પ્રદેશ કેડરના IAS અધિકારી આરસીપી સિંહે રેલવે મંત્રી અને બાદમાં મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારના ખાસ સચિવ તરીકે કામ કર્યું હતું. ૨૦૧૦ માં તેઓ વહીવટી સેવામાંથી કાયમી નિવૃત્તિ (VRS) લઈને સીધા JDU માં જોડાયા.

·         પાર્ટીમાં મજબૂત પકડ: તેમની કાબેલિયત જોઈને નીતિશ કુમારે તેમને સતત બે વખત રાજ્યસભામાં મોકલ્યા અને પાર્ટીના 'રાષ્ટ્રીય અધ્યક્ષ' જેવી સર્વોચ્ચ જવાબદારી પણ સોંપી.

·         વિવાદનો મધપૂડો અને પતન: વર્ષ ૨૦૨૧ માં આરસીપી સિંહ નીતિશ કુમારની સંમતિ વિના જ JDU ના ક્વોટામાંથી નરેન્દ્ર મોદી કેબિનેટમાં કેન્દ્રીય મંત્રી બની ગયા. આ પગલાથી નીતિશ કુમાર ભારે નારાજ થયા. પરિણામે, ૨૦૨૨ માં તેમને ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ ન મળી અને મંત્રીપદ પણ છીનવાઈ ગયું.

·         નવી પાર્ટી અને નિષ્ફળતા: ભ્રષ્ટાચારની નોટિસ મળ્યા બાદ JDU છોડીને તેમણે ૨૦૨૪ માં 'આપકી સબકી આવાઝ' નામની પાર્ટી બનાવી. બાદમાં તે પ્રશાંત કિશોરની 'જન સૂરજ' માં ભળી ગઈ. તાજેતરમાં તેમની પુત્રી લતા સિંહને અસ્થાવન બેઠક પરથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

રાજકીય નિરાશા બાદ હવે આરસીપી સિંહ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા ફરી એકવાર જૂના મિત્ર નીતિશ કુમારના શરણે આવ્યા હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

(3:12 PM IST)