<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

ગંગા નદીના ભયજનક જળસ્તરથી બિહારમાં ભારે ફફડાટ: ૮ જિલ્લાઓમાં હાઈએલર્ટ જાહેર, તંત્ર અને NDRF ની ટીમો સ્ટેન્ડ બાય!

પટણાના ગાંધી ઘાટ અને મોકામામાં જોખમી સપાટી વટાવવાની શક્યતા: નીચાણવાળા વિસ્તારો ખાલી કરવા તંત્રની આકરી અપીલ અને ઈમરજન્સી માર્ગદર્શિકા જારી

પટણા | તા.૦૩: બિહારમાં ગંગા નદીના વધતા જળસ્તરે ફરી એકવાર ભયાનક પૂરનું સંકટ ઊભું કર્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને વોટર રિસોર્સ વિભાગ દ્વારા રાજ્યના આઠ પ્રમુખ જિલ્લાઓમાં ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ખાસ હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટના અહેવાલ અનુસાર, પટણાના ગાંધી ઘાટ અને મોકામા ખાતે તા. ૪ સપ્ટેમ્બર સુધી ગંગા નદીનું જળસ્તર ઓલ-ટાઈમ હાઈ એટલે કે તેની સર્વોચ્ચ ભયજનક સપાટીને વટાવી જવાની પૂરેપૂરી આશંકા છે, જેનાથી સમગ્ર રાજ્યમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 

પૂરના આ તોળાતા સંકટને પગલે પટણા, ભોજપુર, વૈશાલી, નાલંદા, બેગુસરાય, લખીસરાય અને જહાનાબાદ સહિતના આઠ જિલ્લાઓમાં વહીવટી તંત્રને 'સ્ટેન્ડ બાય' મોડ પર રાખી દેવામાં આવ્યું છે. આ જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા હજારો લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે. નદી કિનારે સતત પેટ્રોલિંગ વધારી દેવાયું છે અને હવામાન વિભાગ તેમજ જળ સંસાધન વિભાગ પરિસ્થિતિ પર ચોવીસે કલાક કડક નજર રાખી રહ્યા છે.

 

પરિસ્થિતિની ગંભીરતાને જોતાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે નાગરિકો માટે વિશેષ ગાઈડલાઈન્સ જારી કરી છે. લોકોને નદી કિનારે, ડેમ કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં બિનજરૂરી જવાનું સંપૂર્ણપણે ટાળવા સૂચના અપાઈ છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રાખવા જણાવાયું છે. આ ઉપરાંત નદીમાં નહાવા જવું, બોટિંગ કરવું કે સેલ્ફી લેવા જેવા જોખમી સાહસો ન કરવા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે.

 

તંત્ર દ્વારા તમામ નાગરિકોને જરૂરી દવાઓ, મહત્વના દસ્તાવેજો, ટોર્ચ અને પીવાનું પાણી ઈમરજન્સી બેગમાં તૈયાર રાખવા વિનંતી કરાઈ છે. કોઈપણ અફવા પર ધ્યાન ન આપવા અને માત્ર સરકારી માહિતી પર વિશ્વાસ રાખવા કહેવામાં આવ્યું છે. કોઈ પણ કટોકટીની સ્થિતિ સર્જાય તો નાગરિકોને તાત્કાલિક રાજ્ય કટોકટી કામગીરી કેન્દ્રના ઇમરજન્સી હેલ્પલાઇન નંબર ૧૦૭૦ પર સંપર્ક કરવા જણાવાયું છે.

 

(4:20 PM IST)