તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Thursday, 17th September 2026
તેલંગાણાના સિયાસતમાં 'બિહારી DNA' વિવાદનો મોટો ભડકો: પૂર્વ CM KCR ને બિહારી ગણાવી CM રેવંત રેડ્ડીએ છેડ્યો નવો રાજકીય સંગ્રામ!
તેલંગાણા વિધાનસભામાં રેવંત રેડ્ડીના આકરા પ્રહારો: 'કેસીઆરે બિહારથી આવીને તેલંગાણાને લૂંટવાનો પ્રયાસ કર્યો', ૧ લાખ કરોડની જમીન હડપવાનો આરોપ લગાવી ફાર્મહાઉસની તપાસના આપ્યા આદેશ

પટના: દક્ષિણ ભારતના તેલંગાણા રાજ્યના રાજકારણમાં પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ (KCR) અને વર્તમાન મુખ્યમંત્રી રેવંત રેડ્ડી વચ્ચેની રાજકીય લડાઈ હવે બિહાર સુધી પહોંચી ગઈ છે. તેલંગાણા વિધાનસભામાં પોતાના સંબોધન દરમિયાન મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પૂર્વ સીએમ કેસીઆર પર તીખા પ્રહારો કરતા તેમને ફરી એકવાર 'બિહારી' ગણાવ્યા છે. રેવંત રેડ્ડીએ ગૃહમાં સણસણતો આરોપ લગાવ્યો હતો કે, કેસીઆરના પૂર્વજો બિહારથી આવ્યા હતા અને તેમણે તેલંગાણાના સંસાધનો અને મિલકતોને લૂંટવાનો જ પ્રયાસ કર્યો છે.
મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ભૂતકાળમાં પણ BRS પ્રમુખ કેસીઆરના 'ડીએનએ' પર સવાલો ઉઠાવતા દાવો કર્યો હતો કે કેસીઆરનો ડીએનએ બિહારી છે, જ્યારે તેમનો પોતાનો ડીએનએ તેલંગાણાનો છે. રેવંત રેડ્ડીના મતે કેસીઆરનો પરિવાર મૂળ બિહારની કુર્મી જાતિ સાથે સંબંધ ધરાવે છે જેઓ વાયા આંધ્રપ્રદેશ થઈને તેલંગાણા આવ્યા હતા. રેવંત રેડ્ડીના આ નિવેદનને કારણે ભૂતકાળમાં પણ વિપક્ષી ગઠબંધન અને કોંગ્રેસ માટે ભારે ધર્મસંકટ ઊભું થયું હતું, કારણ કે 'બિહારી ડીએનએ' ની સરખામણીને લઈને ભાજપ અને અન્ય વિરોધી પક્ષોએ કોંગ્રેસને બિહારના અપમાન બદલ ઘેરી હતી.
વિધાનસભામાં આક્ષેપોનો સિલસિલો ચાલુ રાખતા રેવંત રેડ્ડીએ કેસીઆર અને તેમના પરિવાર સામે તપાસની મોટી જાહેરાત પણ કરી છે. તેમણે સિદ્દીપેટ જિલ્લાના એરાવલી ખાતે આવેલા કેસીઆરના ૭૦૦ એકરના આલીશાન ફાર્મહાઉસની જમીનની તપાસ કરવાનો હુકમ આપ્યો છે. રેવંત રેડ્ડીએ દાવો કર્યો છે કે KCR ના સંબંધીઓએ અને સમર્થકોએ અંદાજે ₹૧ લાખ કરોડની સરકારી જમીનો હડપ કરી લીધી છે. જોકે, કેસીઆરના બિહાર સાથેના મૂળ અંગે કોઈ નક્કર કે સ્વતંત્ર પુરાવા સામે આવ્યા નથી, પરંતુ તેલંગાણાની આંતરિક લડાઈમાં બિહારનો ઘસડો થતાં રાજકીય વાતાવરણ ગરમાયું છે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
