<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

બિહારનો ‘કુબેર’ એન્જિનિયર: દરોડામાં લાખોની રોકડ, સોનું-ચાંદી અને કરોડોની સંપત્તિ મળી

ગોપાલ કુમારના 4 ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા: અધિકારીઓને મોટી માત્રામાં રોકડ, સોનું-ચાંદી, મિલકતના દસ્તાવેજો અને સરકારી ફાઈલો મળી આવી: તપાસ શરૂ

બિહાર: જમુઈ જિલ્લાના ઝાઝા પ્રખંડમાં ગ્રામીણ કાર્ય પ્રમંડળના કાર્યપાલક ઈજનેર ગોપાલ કુમાર સામે આવકથી વધુ સંપત્તિ મામલે આર્થિક ગુના શાખાએ મોટી કાર્યવાહી કરી છે. 16 મેના રોજ ગોપાલ કુમારના 4 ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં અધિકારીઓને મોટી માત્રામાં રોકડ, સોનું-ચાંદી, મિલકતના દસ્તાવેજો અને સરકારી ફાઈલો મળી આવી હતી.

આર્થિક ગુના શાખાની માહિતી મુજબ, ગોપાલ કુમારે પોતાની  આવક કરતાં રૂ. 2.00 કરોડથી વધુની સંપત્તિ બનાવી છે. આ સંપત્તિ તેમની આવક કરતાં 81.5 ટકા વધુ હોવાનું જણાવાયું છે. ગોપાલ કુમારે ઓક્ટોબર 2008માં બિહાર સરકારમાં નોકરી શરૂ કરી હતી અને વર્ષ 2022માં તેઓ કાર્યપાલક ઈજનેર બન્યા હતા.

દરોડા દરમિયાન રૂ. 39.65 લાખ રોકડા, આશરે રૂ. 47 લાખના દાગીના ખરીદીના ઈન્વોઇસ, 424.08 ગ્રામ સોનાના દાગીના અને લગભગ 1 કિલો ચાંદીના દાગીના મળી આવ્યા હતા. આ ઉપરાંત સગુના મોડ સ્થિત JB Mallમાં અંદાજે રૂ. 70 લાખની કિંમતની 2 કોમર્શિયલ દુકાનો, દાનાપુર બજાર સમિતિ પાસે 1.25 કટ્ટાનો રહેણાંક પ્લોટ અને નિર્માણાધીન G+3 બિલ્ડિંગના દસ્તાવેજો મળ્યા હતા.

લક્ષ્મી કોટેજ, દાનાપુરમાં 4 BHK ફ્લેટ માટે રૂ. 80 લાખ રોકડ ચૂકવ્યા હોવાના દસ્તાવેજો પણ તપાસમાં મળ્યા છે. અધિકારીઓએ Hyundai i10 કાર, એક સ્કૂટર અને ગ્રામીણ કાર્ય વિભાગ સંબંધિત અનેક સરકારી દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.

જમુઈ સ્થિત ભાડાના મકાનમાંથી રૂ. 8.03 લાખ રોકડા અને Hyundai Creta કાર મળી આવી હતી, જે સુરેન્દ્ર મોહન નામના વ્યક્તિના નામે નોંધાયેલી છે. આ ઉપરાંત ગોપાલ કુમારના 3 બેંક ખાતાઓમાં અંદાજે રૂ. 10 લાખ જમા હોવાનું જાણવા મળ્યું છે. તપાસ એજન્સી દ્વારા મામલે વધુ તપાસ ચાલુ છે.

(2:34 PM IST)