તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
બિહારના પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવના વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય ગરમાવો
પપ્પુ યાદવનો બફાટઃ નેતાઓના રૂમમાં ગયા વગર ૯૦ ટકા મહિલાઓ રાજનીતિ કરી શકતી નથી

પૂર્ણિયા તા.૨૨: બિહારના પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવના એક વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે. સાંસદ પપ્પુ યાદવે દાવો કર્યો હતો કે, નેતાઓના રૂમમાં ગયા વગર ૯૦ ટકા મહિલાઓ રાજનીતિ કરી શકતી નથી. આ નિવેદન પર બિહાર રાજ્ય મહિલા આયોગે સ્વતઃ સંજ્ઞાન લેતા પપ્પુ યાદવને નોટિસ પાઠવી છે અને ત્રણ દિવસમાં સ્પષ્ટતા કરવા આદેશ આપ્યો છે.
પપ્પુ યાદવે મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે, મહિલાઓનું શોષણ કરવામાં રાજકારણીઓ સૌથી આગળ છે. અમેરિકાથી લઈને ભારત સુધીના નેતાઓની નજર મહિલાઓ પર ગીધ જેવી હોય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તેઓ એમ કહેતા સાંભળવા મળે છે કે, શાળા, કોલેજથી લઈને ઓફિસ સુધી દીકરીઓ અને મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે.
રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષે પપ્પુ યાદવના નિવેદનને અત્યંત ઘૃણાસ્પદ ગણાવ્યું છે. નોટિસમાં જણાવાયું છે કે, સાંસદનું આ નિવેદન રાજનીતિમાં સક્રિય મહિલાઓના આત્મસન્માન અને સામાજિક પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે છે. આયોગે સાંસદને સવાલ કર્યો છે કે તેમનું સભ્યપદ રદ કરવા માટે લોકસભા સ્પીકરને ભલામણ કેમ ન કરવી? ઉલ્લેખનીય છે કે, અગાઉ સંસદમાં પણ મહિલા અનામત મુદ્દે ચર્ચા દરમિયાન પપ્પુ યાદવે વિવાદ સર્જ્યો હતો.
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
