તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Friday, 15th May 2026
ICC T20 વર્લ્ડ કપ 2026માં શાનદાર પ્રદર્શન કરનાર બિહારના સ્ટાર ક્રિકેટર ઈશાન કિશનને રાજ્ય સરકારે ખાસ સન્માન આપ્યું
પટનામાં યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ તેમને ₹1 કરોડનો ચેક અર્પણ કર્યો :“બિહાર કા લાલ” કહીને મુખ્યમંત્રીએ ઈશાનની પ્રશંસા કરી અને યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કર્યા

બિહારના રમતગમત ક્ષેત્રે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે, જ્યારે રાજ્ય સરકારે તેમના સ્ટાર ક્રિકેટર ઇશાન કિશનની સિદ્ધિઓને બિરદાવી છે. ICC T20 વર્લ્ડ કપ 2026 માં ભારતીય ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપનાર સ્ટાર બેટ્સમેન ઇશાન કિશનનું પટનામાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
બિહારની રાજધાની પટના ખાતે એક વિશેષ સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ ભારતીય ક્રિકેટર ઇશાન કિશનને તેની શાનદાર રમત બદલ ₹1 કરોડની ઇનામી રકમ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીએ કિશનને રાજ્યનું ગૌરવ ગણાવતા તેને "બિહાર કા લાલ" તરીકે સંબોધ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, ઇશાનના પ્રદર્શને વિશ્વ ફલક પર બિહારની પ્રતિભાનો ડંકો વગાડ્યો છે.
સન્માન દરમિયાન મુખ્યમંત્રીએ ઇશાન કિશનને સન્માન સ્વરૂપે ચેક અર્પણ કર્યો હતો અને તેના ભવિષ્યના પ્રદર્શન માટે શુભકામનાઓ પાઠવી હતી. CM સમ્રાટ ચૌધરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પોસ્ટ દ્વારા ઇશાનની પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું કે, વર્લ્ડ કપમાં ઇશાનના યોગદાનથી માત્ર રમત જ નહીં, પરંતુ તેણે લાખો ચાહકોના દિલ પણ જીત્યા છે. રાજ્ય સરકાર ઇચ્છે છે કે બિહારના યુવાનો રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કરે.
આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય સચિવ પ્રત્યય અમૃત અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન માત્ર સન્માન જ નહીં, પરંતુ બિહારમાં રમતગમતની માળખાગત સુવિધાઓ અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. સરકારનો હેતુ છે કે આગામી સમયમાં બિહાર રમતગમતના નકશા પર એક મજબૂત રાજ્ય તરીકે ઉભરી આવે.
તાજેતરના સમયમાં બિહારના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી રહ્યા છે. ઇશાન કિશન પહેલા, યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને પણ તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. રમતગમત નિષ્ણાતોનું માનવું છે કે જ્યારે સરકાર દ્વારા આવા મોટા સ્તરે પ્રોત્સાહન આપવામાં આવે છે, ત્યારે યુવાનોમાં રમત પ્રત્યેનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધે છે. આવા સન્માનથી રાજ્યના અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓને પણ રાષ્ટ્રીય ટીમ માં સ્થાન મેળવવા માટે પ્રેરણા મળશે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
