<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે બર્ડ ફ્લૂનો હાહાકાર : તાપી જિલ્લાના સોનગઢ નજીક નવાપુરમાં ત્રીજી વખત ખતરનાક H5N1 વાયરસની એન્ટ્રીથી ફફડાટ

નવાપુરના ત્રણ પોલ્ટ્રી ફાર્મમાં સેમ્પલ પોઝિટિવ આવતા ૧ કિ.મી.નો વિસ્તાર સીલ : ગુજરાત સરકાર દ્વારા સાવચેતીના ભાગરૂપે તાપી બોર્ડર પર કડક ચેકિંગ અને સરહદ સીલ કરવાની તૈયારીઓ શરૂ

વ્યારા: શુક્રવાર : ગુજરાતના તાપી જિલ્લાની સરહદને અડીને આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકામાં ફરી એકવાર બર્ડ ફ્લૂએ દસ્તક દેતા તંત્ર હરકતમાં આવ્યું છે. પોલ્ટ્રી હબ ગણાતા નવાપુરમાં ઇતિહાસમાં ત્રીજી વખત અત્યંત ચેપી H5N1 વાયરસનો પ્રાદુર્ભાવ જોવા મળ્યો છે. ભોપાલની પ્રયોગશાળામાં મોકલેલા પક્ષીઓના સેમ્પલ પોઝિટિવ આવતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને પશુપાલન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. સંક્રમણને ગુજરાતમાં ફેલાતું અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા તાપી જિલ્લાની બોર્ડર પર સઘન તકેદારી રાખવા અને સરહદ સીલ કરવા સુધીના કડક પગલાં લેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ત્રણ પોલ્ટ્રી ફાર્મમાં પક્ષીઓના શંકાસ્પદ મોત:
નવાપુર શહેર નજીક આવેલા ડાયમંડ, તસ્લીમ અને ડોન નામના ત્રણ પોલ્ટ્રી ફાર્મમાં છેલ્લા કેટલાક દિવસોથી પક્ષીઓના શંકાસ્પદ રીતે મોત થઈ રહ્યા હતા. આ ઘટનાને પગલે પશુપાલન વિભાગ દ્વારા પક્ષીઓના નમૂના લઈ તપાસ માટે ભોપાલની ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇ સિક્યુરિટી એનિમલ ડિસીઝ’ ખાતે મોકલવામાં આવ્યા હતા. આ ત્રણેય ફાર્મના રિપોર્ટમાં H5N1 વાયરસની પુષ્ટિ થતા જ પશુપાલકો અને સ્થાનિકોમાં ભારે ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. વારંવાર ત્રાટકતા આ રોગચાળાને કારણે નવાપુરના પોલ્ટ્રી વ્યવસાયને કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

૧ કિ.મી.નો એરિયા સીલ અને સેનિટાઈઝેશન:
વાયરસની પુષ્ટિ થયા બાદ સંક્રમિત ફાર્મની આસપાસનો ૧ કિલોમીટરનો વિસ્તાર તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સમગ્ર પંથકમાં સેનિટાઈઝેશનની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા લેવાયેલા અંદાજ મુજબ, સંક્રમણ અટકાવવા માટે અંદાજે ૧.૪૦ લાખ પક્ષીઓનો નિકાલ કરવામાં આવશે. હાલ નવાપુરમાં ૨૭ કાર્યરત પોલ્ટ્રી ફાર્મ છે, જેમાં અંદાજે ૧૦.૪૯ લાખ પક્ષીઓ અને ૮ લાખ જેટલો ઈંડાનો જથ્થો ઉપલબ્ધ છે.

ગુજરાત બોર્ડર પર એલર્ટ:
તાપી જિલ્લાના સોનગઢ નજીક જ મહારાષ્ટ્રની સરહદ હોવાથી ગુજરાત સરકાર પણ સતર્ક બની છે. બોર્ડર પર પોલીસ અને પશુપાલન વિભાગની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્ર તરફથી આવતા પોલ્ટ્રી ઉત્પાદનો અને વાહનો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. બોર્ડર તકેદારીના ભાગ રૂપે તાપી જિલ્લાની સરહદોને સીલ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે જેથી ગુજરાતના પોલ્ટ્રી ઉદ્યોગને આ જોખમી વાયરસથી બચાવી શકાય.

લોકો માટે સાવચેતીની સૂચના:
તંત્ર દ્વારા જનતાને ગભરાટ ન ફેલાવવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. પશુપાલન વિભાગે સૂચના આપી છે કે કોઈ પણ મૃત કે બીમાર પક્ષીને અડવું નહીં. જે લોકો ઈંડા કે ચિકનનો ઉપયોગ કરતા હોય તેમણે તેને ઊંચા તાપમાને બરાબર રાંધીને જ ઉપયોગમાં લેવું. જો આસપાસ પક્ષીઓના અચાનક મોત દેખાય તો તુરંત પશુપાલન વિભાગને જાણ કરવી. પોલ્ટ્રી ફાર્મની મુલાકાત ટાળવા અને બાળકોને આવા વિસ્તારોથી દૂર રાખવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે.

 

(1:49 PM IST)