તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
દક્ષિણ ભારતમાં ફરી એક વખત બર્ડ ફ્લૂનો હાહાકાર કર્ણાટકમાં વાયરસના કારણે 44 થી વધુ મોરના મોત
10 કિમી વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયો:મરઘાં ફાર્મ સંચાલકો માટે તંત્ર દ્વારા એડવાઈઝરી જારી :ભોપાલની લેબમાં મોરના રિપોર્ટમાં વાયરસની પુષ્ટિ થઈ :હોસ્પિટલો એલર્ટ પર

દક્ષિણ ભારતમાં ફરી એક વખત બર્ડ ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે. કર્ણાટકના ટુમકુર જિલ્લામાં મોટી સંખ્યામાં મોરના મોતથી વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. પરીક્ષણ અહેવાલોમાં પુષ્ટિ મળી છે કે આ તમામ મોર H5N1 બર્ડ ફ્લૂ વાયરસથી સંક્રમિત હતા, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ચેપના ફેલાતો રોકવા માટે વહીવટીતંત્રે અસરગ્રસ્ત વિસ્તારના 10 કિલોમીટરના ત્રિજ્યાને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કર્યો છે.
મળતી માહિતી અનુસાર 16 એપ્રિલથી ટુમકુર જિલ્લામાં સતત મોરના મૃત્યુ નોંધાઈ રહ્યા છે. ખેતરો અને ખુલ્લા વિસ્તારોમાં મૃત મોર મળ્યા બાદ વન વિભાગે ભોપાલમાં ICAR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇ સિક્યુરિટી એનિમલ ડિસીઝમાં નમૂનાઓ પરીક્ષણ માટે મોકલ્યા હતા. પરીક્ષણ અહેવાલોમાં પુષ્ટિ મળી છે કે H5N1 બર્ડ ફ્લૂ વાયરસને કારણે મોરના મોત થયા છે. માત્ર એક અઠવાડિયામાં 44 થી વધુ મોરના મોત થયા છે.
અહેવાલ અનુસાર કેસરમડુ, હિરેહલ્લી અને ગુલુર ગ્રામ પંચાયત વિસ્તારોમાં સૌથી વધુ કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. આ પછી, વહીવટીતંત્રે ઝડપી કાર્યવાહી કરી છે અને સમગ્ર વિસ્તારમાં દેખરેખ વધારી દીધી છે. વન વિભાગ, આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગની સંયુક્ત ટીમો આ વિસ્તાર પર સતત નજર રાખી રહી છે.
મહત્વનું છે કે મુખ્ય વન સંરક્ષક કુમાર પુષ્કરે અને Deputy Commissioner Subha Kalyan જણાવ્યું હતું કે સલામતીના પગલા તરીકે, મરઘાં ફાર્મ સંચાલકોને ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. તમામ મરઘાં ફાર્મ પર દેખરેખ વધારવામાં આવી છે, અને ચેપ અટકાવવા માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગે સાવચેતીના પગલા તરીકે હોસ્પિટલોને પણ એલર્ટ પર રાખી છે. હોસ્પિટલોને પીપીઈ કીટ, માસ્ક, દવાઓ અને પરીક્ષણ કીટનો પૂરતો સ્ટોક રાખવા સૂચના આપવામાં આવી છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, 23 એપ્રિલથી મોરના મૃત્યુનો કોઈ અહેવાલ નથી.
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
