તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
દિલ્હીના IGI એરપોર્ટ પર દુબઈ જતી એમિરેટ્સ ફ્લાઇટ સાથે પક્ષી અથડાતા મચી દોડધામ: વિમાનના આગલા ભાગને વ્યાપક નુકસાન, મુસાફરોમાં ચિંતાનો માહોલ
સમયસર ઉડાન ભરવાની તૈયારીમાં રહેલી ફ્લાઇટ EK517 ટર્મિનલ-૩ પર અટવાઈ; ટેક્નિકલ નિરીક્ષણના કારણે મુસાફરોને લાંબા સમય સુધી રાહ જોવી પડી

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) એરપોર્ટ પરથી એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શનિવારે સાંજે દિલ્હીથી દુબઈ જવા માટે રવાના થનારી એમિરેટ્સ એરલાઇન્સની લોકપ્રિય ફ્લાઇટ EK 517 સાથે ઉડાન ભરતી વખતે એક પક્ષી અથડાવાની (બર્ડ હિટ) ગંભીર ઘટના બની હતી. આ અકસ્માતને કારણે વિમાનના અગ્રભાગ (નોઝ કોન) ને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેના લીધે ફ્લાઇટ મોડી પડતા મુસાફરોમાં ભારે અસમંજસ અને ચિંતા જોવા મળી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, એમિરેટ્સની આ ફ્લાઇટ શનિવારે સાંજે ૪:૨૫ વાગ્યે IGI એરપોર્ટના ટર્મિનલ-૩ પરથી દુબઈ માટે ટેક-ઓફ કરવાની હતી. તમામ મુસાફરો બોર્ડિંગ પૂર્ણ કરીને રવાના થવાની તૈયારીમાં હતા, તે જ અરસામાં અચાનક પક્ષી અથડાવાની આ દુર્ઘટના ઘટી હતી. પક્ષી જોરદાર ટક્કર મારતા વિમાનના નોઝ કોનને નુકસાન પહોંચ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું. સલામતીના કડક ધોરણોને ધ્યાનમાં રાખીને પાયલટે તાત્કાલિક ધોરણે વિમાનને આગળ વધારવાનું ટાળ્યું હતું, જેના કારણે ફ્લાઇટ સમયસર ઉડાન ભરી શકી નહોતી.
ઘટના અંગે મળતી વધુ માહિતી મુજબ, આ અકસ્માત બાદ તરત જ સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો પણ વાયરલ થયા હતા, જેમાં વિમાનના આગળના ભાગને થયેલું નુકસાન સ્પષ્ટપણે જોઈ શકાતું હતું. આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા નિયમો અનુસાર, વિમાનના નોઝ કોનને નુકસાન થાય ત્યારે ઉડાન ભરતા પહેલા તેનું ઝીણવટભર્યું તકનીકી નિરીક્ષણ કરવું અનિવાર્ય બને છે. એન્જિનિયરિંગ ટીમ દ્વારા સુરક્ષા તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિમાનને ગ્રાઉન્ડેડ રાખવામાં આવ્યું હતું.
ફ્લાઇટમાં અચાનક વિલંબ થવાને કારણે દુબઈ જઈ રહેલા મુસાફરો એરપોર્ટ પર અટવાયા હતા અને આગળની મુસાફરી અંગે એરલાઇન્સના અધિકારીઓ પાસેથી સ્પષ્ટ માહિતી મેળવવા માટે ચિંતિત બન્યા હતા. જોકે, રાહતની વાત એ રહી છે કે આ અકસ્માતમાં સદભાગ્યે કોઈ પણ મુસાફરી કે ક્રૂ મેમ્બરને ઈજા પહોંચી નથી અને તમામ સુરક્ષિત છે. એરલાઇન્સ દ્વારા મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા અને ફ્લાઇટના પુનઃ સંચાલન અંગેની માહિતી પૂરી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. એરપોર્ટ પર બર્ડ હિટની વધતી જતી આ પ્રકારની ઘટનાઓએ ઉડ્ડયન સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ખડા કર્યા છે.
(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
