તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
પાકિસ્તાનમાં બિટકોઈન 'હરામ' જાહેર: મૌલાનાના ફતવાએ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાન સરકારના અબજો ડોલરના ક્રિપ્ટો પ્લાન પર ફેરવ્યું પાણી!
પ્રભાવશાળી મૌલવી મુફ્તી તકી ઉસ્માનીના આકરા ફતવાએ બિટકોઈન અને સ્ટેબલકોઈન પર લગાવી ઇસ્લામિક પાબંદી; ક્રોસ-બોર્ડર પેમેન્ટ માટે ટ્રમ્પ પરિવારની કંપની સાથે થયેલો પાકિસ્તાનનો મેગા સોદો પણ લટકી ગયો

ઇસ્લામાબાદ: એક તરફ પાકિસ્તાન દેવાળિયા થવાના આરેથી બચવા અને આર્થિક કટોકટીમાંથી બહાર આવવા માટે ક્રિપ્ટોકરન્સીના બિઝનેસને પ્રોત્સાહન આપી રહ્યું હતું, ત્યાં જ દેશના સૌથી પ્રભાવશાળી અને કટ્ટર ઇસ્લામિક વિદ્વાનોમાંના એક એવા મુફ્તી મુહમ્મદ તકી ઉસ્માનીએ એક મોટો આંચકો આપ્યો છે. કરાચીના પ્રખ્યાત દારુલ ઉલૂમ મદરસાના વડા મુફ્તી ઉસ્માનીએ બિટકોઈન , ઇથેરિયમ અને તમામ પ્રકારના સ્ટેબલકોઈનને ઇસ્લામિક શરિયા કાયદા હેઠળ 'હરામ' જાહેર કરતો ફતવો બહાર પાડ્યો છે. આ ફતવાને પાકિસ્તાનના અન્ય અગ્રણી ઇસ્લામિક સંગઠનોનું પણ વ્યાપક સમર્થન મળ્યું છે, જેના કારણે પાકિસ્તાનની સેના અને શાહબાઝ સરકારની ડિજિટલ અર્થતંત્ર ઊભું કરવાની તમામ ગણતરીઓ ઊંધી પડી ગઈ છે.
આ ફતવાએ માત્ર પાકિસ્તાન સરકાર જ નહીં, પરંતુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારને પણ કરોડો ડોલરનો ફટકો માર્યો છે. વાસ્તવમાં, ટ્રમ્પ પરિવારે વૈશ્વિક સ્તરે ક્રિપ્ટો માર્કેટમાં ધૂમ મચાવવા માટે 'વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ' નામની એક હાઇ-ટેક કંપની શરૂ કરી છે, જેનું મુખ્ય ઉત્પાદન ડોલર-પેગ્ડ સ્ટેબલકોઇન 'USD1' છે. ચાલુ વર્ષે જાન્યુઆરી ૨૦૨૬ માં, પાકિસ્તાન સરકારે સરહદ પારની ચૂકવણીઓ સરળ બનાવવા માટે ટ્રમ્પની આ કંપની સાથે જોડાણ કરીને કાનૂની મંજૂરી આપી હતી. પરંતુ હવે, આ નવા ફતવા હેઠળ ઇસ્લામિક કાયદા અનુસાર ક્રિપ્ટો ટોકન્સ ખરીદવા કે વેચવા એ ગુનો અને પાપ ગણાશે, જેના કારણે ટ્રમ્પ અને પાકિસ્તાનનો આ સંયુક્ત ડ્રીમ પ્રોજેક્ટ શરૂ થતાં પહેલાં જ પડી ભાંગ્યો છે.
પાકિસ્તાન જેવા ઊંડા ધાર્મિક પ્રભાવ ધરાવતા દેશમાં શરિયા કોર્ટ અને આવા વરિષ્ઠ મૌલાનાઓના ફતવાની અસર સીધી જનતા અને સ્થાનિક ઉદ્યોગપતિઓ પર પડે છે. ફતવામાં સ્પષ્ટપણે કહેવાયું છે કે, ડિજિટલ મિલકતનું નામ ગમે તે રાખવામાં આવે કે તે ગમે તેટલા સુરક્ષિત હોવાનો દાવો કરાય, પરંતુ ઇસ્લામિક સિદ્ધાંતો મુજબ તેનો કોઈ ભૌતિક આધાર ન હોવાથી તેનો ઉપયોગ સદંતર વર્જિત (હરામ) છે. આ જાહેરાત બાદ પાકિસ્તાનની અડધાથી વધુ વસ્તી હવે આ ક્રિપ્ટો ડીલ્સથી દૂર ભાગવા લાગી છે, જેના લીધે દેશમાં કાર્યરત ક્રિપ્ટો એક્સચેન્જો અને રોકાણકારોમાં ભારે ગભરાટ ફેલાયો છે.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
