તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th April 2026
સંસદના વિશેષ સત્ર પૂર્વે સાંસદો માટે વ્હીપ જાહેર કરતુ ભાજપ
ગુરૂવારથી ત્રિદિવસીય ખાસ સત્ર માટે પાર્ટીએ સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જારી કર્યુ

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ આગામી 16 થી 18 એપ્રિલ,દરમિયાન યોજાનારા સંસદના વિશેષ સત્ર પૂર્વે પોતાના તમામ સાંસદો માટે ‘થ્રી-લાઇન વ્હીપ’ જારી કર્યો છે. આ આદેશ દ્વારા પક્ષે તમામ લોકસભા અને રાજ્યસભાના સભ્યોને ત્રણેય દિવસ ગૃહમાં અનિવાર્યપણે હાજર રહેવા અને સરકારના વલણનું સમર્થન કરવા કડક સૂચના આપી છે. આ વિશેષ સત્રમાં સરકાર મહિલા અનામત કાયદાના અમલીકરણ અને લોકસભા બેઠકોના સીમાંકન જેવા અત્યંત મહત્વપૂર્ણ અને બંધારણીય સુધારાના ખરડા રજૂ કરે તેવી પ્રબળ શક્યતા છે, જેને પગલે પક્ષે પોતાની સંસદીય શક્તિ એકજૂથ રાખવા માટે આ પગલું ભર્યું છે.
રાજકીય વર્તુળોમાં આ વિશેષ સત્રને લઈને અનેક ચર્ચાઓ જાગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ હેઠળ 2029ની સામાન્ય ચૂંટણીઓ પહેલા મહિલા અનામત લાગુ કરવા માટે જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવા માંગે છે. આ માટે લોકસભાની બેઠકોની સંખ્યા હાલની 543 થી વધારીને 816 કરવા અને તેમાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવા અંગેના ખરડા પર મહોર મારવામાં આવી શકે છે. સીમાંકનની આ દરખાસ્તથી ઉત્તર ભારતના રાજ્યોમાં બેઠકો વધવાની શક્યતા છે, જ્યારે દક્ષિણ ભારતના રાજ્યો પોતાની રાજકીય પ્રતિનિધિત્વમાં ઘટાડો થવાની ભીતિ સેવી રહ્યા છે, જેના કારણે વિપક્ષો આક્રમક મૂડમાં છે.
સંસદીય કાર્યપણાલીમાં ‘થ્રી-લાઇન વ્હીપ’ એ સૌથી શક્તિશાળી આદેશ માનવામાં આવે છે. જ્યારે કોઈ પક્ષ આ પ્રકારનો વ્હીપ જારી કરે છે, ત્યારે સાંસદ માટે ગૃહમાં હાજર રહેવું અને પક્ષના આદેશ મુજબ જ મતદાન કરવું ફરજિયાત બની જાય છે. જો કોઈ સભ્ય પક્ષના આદેશનું ઉલ્લંઘન કરે છે, તો તેની વિરુદ્ધ પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે અને તેનું સભ્યપદ પણ જોખમમાં મુકાઈ શકે છે. સામાન્ય રીતે બજેટ પાસ કરવા, અવિશ્વાસની દરખાસ્ત અથવા અત્યંત સંવેદનશીલ કાયદાઓ પસાર કરવાના સમયે જ આવા કડક આદેશો આપવામાં આવે છે.
બીજી તરફ, કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ આ વિશેષ સત્રના સમય પર સવાલો ઉઠાવ્યા છે. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જેવી મહત્વની વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે આ સત્ર બોલાવવામાં આવ્યું હોવાથી વિપક્ષે તેને ‘રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ’ ગણાવ્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકાર ઉતાવળમાં સીમાંકન પ્રક્રિયા હાથ ધરીને રાજકીય ગણિત બદલવા માંગે છે. જોકે, સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર મહિલાઓના સશક્તિકરણ માટેના પોતાના સંકલ્પને પૂર્ણ કરવા કટિબદ્ધ છે અને તેમાં કોઈ વિલંબ કરવા માંગતી નથી. આમ, આગામી ત્રણ દિવસ ભારતીય લોકશાહી અને ભવિષ્યની ચૂંટણી પ્રક્રિયા માટે નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
